Gujarat Live News
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં રહેતા લોકો માટે ખૂશખબર, રીડેવલપમેન્ટ ઝડપી થાય એ માટે મુખ્યમંત્રીના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો

 

 

ગુજરાત ન્યૂઝ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
તદઅનુસાર, હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે.
ફ્લેટ પ્રકારના મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે.
એટલે કે, ૨૫ ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.૧૦ હજાર,  LIGમાં રૂ. ૨૦ હજાર, MIGમાં રૂ. ૩૦ હજાર અને HIGમાં રૂ. ૬૦ હજાર પ્રમાણે લેવાશે.
આ ઉપરાંત ૨૫ ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. ૨૦ હજાર, LIGમાં રૂ. ૪૦ હજાર, MIGમાં રૂ. ૬૦ હજાર અને HIGમાં રૂ. ૧ લાખ ૨૦ હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. ૧ હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૪ હજાર, MIG માટે રૂ. ૬ હજાર અને HIG માટે રૂ. ૧૦ હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે.
આવા જન હિતકારી નિર્ણયને કારણે જુના અને જર્જરીત મકાનોના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.

Related posts

મેક ઈન ઈન્ડિયા તરફ કદમ : મારુતિ સુઝુકીએ જાપાનમાં એમની એવોર્ડ વિજેતા SUV Fronxની નિકાસ શરૂ કરી

gln_admin

વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ : પ્રી-એકલેમ્પસિયાના કારણે સ્ત્રીઓને થઈ શકે છે જીવલેણ અને ગંભીર સમસ્યા

gln_admin

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતકના ઘરે જઇ સ્કીન દાન લેવાયું, જાણો આ વિશેષ અહેવાલ

gln_admin

Leave a Comment