10:25, 11 MAY 2024
ગુજરાત ન્યૂઝ : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી કરવામાં આવેલ મતદાનવાળા પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના તૃતીય એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી. ડી. પલસાણા અને એ.બી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળાની અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે. એ મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી. પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્ત્વનું યોગદાન છે, એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે.
આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ-૧૨ આધારે તેમને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ મતદાનના પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીૉઓ પોસ્ટલ બેલેટ પેપર મારફત પોતાના ફરજના સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના તૃતીય એક્ષચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો હતો. આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શક્યા છે.
આ પ્રસંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીમાં કાર્યરત અધિક કલેકટર રિન્કેશ પટેલ, અમદાવાદના એડિશનલ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર ઉપરાંત તમામ જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.