ગુજરાત ન્યૂઝ : ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને જરૂરી કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
અમદાવાદ ગ્રામ્ય દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રણાલી ગત અને બિન પ્રણાલી ગત કારકિર્દીના પંથ પર ભોમિયા સાથે
ભ્રમણ કાર્યક્રમ અંતર્ગત વિડીયો લોન્ચ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ પૂછાયેલા વિવિધ પ્રશ્નો સહિત કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી, ધો 10 અને 12 પછીના પ્રણાલી ગત અભ્યાસ ક્રમની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યની યૂટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેને https://youtube.com/watch?v=-VYa_TVVbxM&feature=shared લીંક પર ક્લિક કરીને જોઈ શકાય છે.
આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થીઓ ધોરણ 10 કે 12 માં સફળ થયા નથી અથવા ઓછા ટકા મેળવેલ છે, તો તેઓને પણ અભ્યાસ ચાલુ રાખી રોજગારીની તકો પૂરી પાડતા વિવિધ કોર્ષની માહિતી આપવામાં આવી હતી.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઓછા સંસાધનો ઉપલબ્ધ છે, તેમને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન મળે અને કેટલાંક બિન પ્રણાલી ગત કોર્ષ જેવા કે ડ્રોન પાયલોટ કોર્ષ, જ્વેલરી ડિઝાઈનર કોર્ષ, ડાયમંડ વિષયક કોર્ષ કે જેઓ પૂરતી રોજગારી આપે છે તેનાથી વિદ્યાર્થીઓને અવગત કરવાનો પણ આ કાર્યક્રમનો હેતુ રહ્યો છે.
સાથે જ, વીડિયો લિંકમાં મૂકવામાં આવેલ Descriptionમાં વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણો રજૂ કરી શકશે તેમજ પ્રશ્નો પૂછી શકશે. આ પ્રશ્નો અને મૂંઝવણો અંગે કારકિર્દીના ભોમિયાઓ(નિષ્ણાતો) દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કારકીર્દી માટે ઉપયોગી ડિજિટલ માર્ગદર્શિકા, વિવિધ યોજનાઓ, વેબસાઈટ, ગુજરાત યુનિવર્સિટીના
gces પોર્ટલની માહિતી પણ Descriptionમાં મૂકવા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડતો આ આ નવીન ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.