Gujarat Live News
અમદાવાદકચ્છજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાજકોટરાષ્ટ્રીયવડોદરાવિશ્વસુરતસૌરાષ્ટ્ર

મળો ગુજરાતના આનંદ કુમારને, 4 વર્ષથી વગર ફીએ ટ્રેનિંગ આપી, 300થી વધુ યુવાનોને રોજગારી માટે તૈયાર કર્યા, જાણો કેવી રીતે થઈ હતી સફર શરુ

આ યુવાનોમાંથી ૬૦ જેટલા ઇન્ડિયન આર્મીમાં, ૫૮ જેટલા ગુજરાત પોલીસમાં, ૨ નેવી, ૨ એરફોર્સમાં તેમજ બાકીના વિવિધ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે
૬૦૦૦ કિમીની દોડ માત્ર ૮૮ દિવસમાં પૂર્ણ કરીને રૂપેશ મકવાણા બન્યા છે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના દાવેદાર
 અમદાવાદના એથલિટ કોચ રૂપેશ મકવાણાએ સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રમાં યુવાનોને ટ્રેનિંગ આપવા સેવાયજ્ઞ શરૂ કર્યો
 અમદાવાદના આ યુવાને દેશના યુવાનો નશામુક્ત થાય, સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને તણાવમુક્ત રહે એ ઉદ્દેશ્ય સાથે ૬ હજાર કિમીની દોડ પૂરી કરી
રૂપેશ મકવાણાએ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આ દોડની શરૂઆત દિલ્હીના ઇન્ડિયા ગેટથી કરી, ૧૩ રાજ્યમાં દોડીને માત્ર ૮૮ દિવસમાં દોડ પૂરી કરી
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા માટે આ દોડ ૯૯ દિવસમાં પૂરી કરવાની હતી, પણ રૂપેશે આ દોડ ૮૮ દિવસ ૧ કલાક અને ૨૮ મિનિટમાં પૂરી કરી
રૂપેશ મકવાણાએ ૫૦૦થી વધુ યુવાનોને વ્યસનમુક્ત પણ બનાવ્યા
વિશ્વ અત્યંત સાહસિક લોકોથી ભરપૂર છે. જે લોકો પાક્કો ઈરાદો રાખે છે તે ક્યારેય નિષ્ફળ કે પાછા પડતા નથી અને આ સાહસિકો જે કાર્ય માટે નિકળે તેમનાં ઈરાદાઓ સંકલ્પથી પૂર્ણ કરે છે. પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા યુવાનોને અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનો ‘સુપર 30’ ફિલ્મથી જાણીતા થયેલા આનંદ કુમારની જેમ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રૂપેશ મકવાણાએ છેલ્લા ૪થી ૫ વર્ષમાં 300થી વધુ યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપીને સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રમાં રોજગારી માટે તૈયાર કર્યા, તો ૫૦૦થી વધુ યુવાનોને વ્યસનમુક્ત બનાવ્યા છે.
આ અંગે વાત કરતા રૂપેશ મકવાણાએ કહ્યું કે, આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું ખેલમહાકુંભનો પ્રારંભ ન થયો હોત તો હું મારું ટેલેન્ટ ન દેખાડી શક્યો હોત અને ન હું એથલિટ કોચ બની શક્યો હોત. આજે જે યુવાનો પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેઓને છેલ્લા ૪-૫ વર્ષથી નિ:શુલ્ક ટ્રેનિંગ આપું છું. સવારે સંરક્ષણ ક્ષેત્રમાં જવા ઇચ્છુક યુવાઓને તેમજ સાંજે સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય એવા યુવાઓને ટ્રેનિંગ આપું છે. બપોરના સમયમાં સ્લમ વિસ્તારમાં જઇને બાળકોને શિક્ષણ આપું છું. મારું માનવું છે કે, સ્પોર્ટ એક એવું માધ્યમ છે જેનાથી આપણાં એક ડિસિપ્લિન આવે છે અને હારને કેવી રીતે જીતમાં બદલવી એ પણ સ્પોર્ટ્સ આપણને શીખવાડે છે.
યુવાનોને તાલીમ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે વાત કરતા રૂપેશે કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં મેં પોલીસમાં ભરતીનો પ્રયત્ન કર્યો હતો પણ હાઇટ ઓછી હોવાને કારણે હું નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ મેં મારા જેવા યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું. મને આજે ગર્વ એ વાતનો પણ છે કે મારી નિષ્ફળતાએ આજે ૮૦૦થી વધુ યુવાનોની જિંદગી બદલી છે અને એ જ મારી મોટી સફળતા છે. અત્યાર સુધીમાં મેં 300થી વધુ યુવાનોને સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ આપીને તૈયાર કર્યા છે. આ યુવાનોમાંથી ૬૦ જેટલા ઇન્ડિયન આર્મિમાં, ૫૮ જેટલા ગુજરાત પોલીસમાં, ૨ નેવી, ૨ એરફોર્સમાં સેવા આપી રહ્યા છે.
આ અંગે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો હું ટ્રેનિંગ આપવા યુવાનો અને બાળકોને શોંધવા ગલ્લે-ગલ્લે ઊભો રહેતો હતો અને જે બાળકો-યુવાનો વ્યસન કરતા દેખાય તેમને મળીને સમજાવતો કે આપણા દેશ અને પરિવાર માટે આપણું જીવન ખૂબ મહત્વનું છે. જો તમે દિલથી વ્યસન છોડવા માંગતા હોવ તો મારી સાથે જોડાવો અને ત્યારબાદ આવી રીતે યુવાનો મારી સાથે ટ્રેનિંગમાં જોડાતા ગયા. આમ, મેં અત્યાર સુધી ૫૦૦થી વધુ યુવાનોને વ્યસનમુક્ત પણ બનાવ્યા છે.
મારા પરિવારની વાત કરું તો મારા ઘરમાં માતા-પિતા અને એક ભાઇ છે. પિતા દરજીનું કામ કરે છે અને માતા હાઉસવાઇફ છે, જ્યારે ભાઇ એક વેબ ડેવલોપર છે. આજે મારી પાસે જે કંઇ પણ છે એ હું બાળકો અને યુવાનો પાછળ સેવામાં ખર્ચ કરી દઉં છું. ગરીબ વિસ્તારના બાળકોને ભણાવું છે અને જરૂરિયાતનું વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડું છું. મારી પાસેથી ટ્રેનિંગ લઇને જે યુવાનો આર્મી અને પોલીસમાં તેમજ અલગ અલગ ક્ષેત્રમાં જોડાયા છે એ બધા મને નાની-મોટી મદદ કરી રહ્યા છે. આ લોકો તરફથી મળતી મદદથી આજે મને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું – ખેલમહાકુંભનો પ્રારંભ ન થયો હોત તો હું મારું ટેલેન્ટ ન દેખાડી શક્યો હોત :-  રૂપેશ મકવાણા
 :  ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા માટે આ દોડ ૯૯ દિવસમાં પૂરી કરવાની હતી, પણ મેં આ દોડ ૮૮ દિવસ ૧ કલાક અને ૨૮ મિનિટમાં આ દોડ પૂરી કરી
દેશના યુવાનો નશામુક્ત થાય, સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને તણાવમુક્ત રહે એ ઉદ્દેશ્ય સાથે ‘યુવા બચાઓ દેશ બચાઓ’ અને ‘સેવ ધ અર્થ’ મિશનને લઈને નીકળેલા રૂપેશ મકવાણાએ ૨૦ મે ૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે ૬ હજાર કિમીની દોડ પૂરી કરી છે. આ અંગે વાત કરતા રૂપેશ મકવાણાએ કહ્યું કે, મેં ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આ દોડની શરૂઆત દિલ્હીના ઇન્ડિયા ગેટથી કરી હતી. ૧૩ રાજ્યમાં દોડીને માત્ર ૮૮ દિવસમાં ૬ હજાર કિમીની દોડ પૂરી કરી છે. આ દોડમાં ૧૩ રાજ્યો જેમ કે, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડું, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્વિમ બંગાળ, ઝારખંડ, બિહાર, યૂપી અને દિલ્હીનો સમાવેશ થાય છે. ગ્રિનીશ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાવા માટે આ દોડ ૯૯ દિવસમાં પૂરી કરવાની હતી, પણ મેં આ દોડ ૮૮ દિવસ ૧ કલાક અને ૨૮ મિનિટમાં આ દોડ પૂરી કરી છે. મેં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી દીધી છે અને હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે.
રૂપેશ મકવાણાએ વધુમાં કહ્યું કે, હું ૪૨-૪૪ ડિગ્રી તાપમાનમાં રનિંગ કરતો હતો, જેના કારણે મોઢાની અને ખભાની આખી સ્કિન બળી ગઇ હતી. રનિંગ કરીને હું જ્યારે મારા રૂમમાં જતો ત્યારે મારું મોઢું આખું બળતું અને આખું મોઢું પોપડી વાળું થઇ ગયું હતું. કોલકત્તામાં દોડ સમયે જોરદાર વરસાદ અને કરા પડ્યા. તેમ છતાંય મેં મારી રનિંગ અટકાવી નહોતી. ઘણી વખત એક દિવસમાં ત્રણેય ઋતુઓ ભેગી થતી હતી. સવારે એકદમ ઠંડી હોય, બપોરે તડકો અને સાંજે વરસાદ પડે. આમ, મેં ત્રણેય ઋતુઓનો સામનો મારી દોડ પૂરી કરી છે.
આ દોડ પૂરી કર્યા બાદ રૂપેશ મકવાણા મંગળવારે અમદાવાદ પરત ફર્યા ત્યારે ટ્રેનીગ લેનાર યુવાનો તેમજ પરિવારજનો અને મિત્રોએ ભાવભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું.
: આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું.
રૂપેશ મકવાણાએ કહ્યું કે, આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું. વર્ષ ૨૦૧૦માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઇ ત્યારથી મેં દોડવાની શરૂઆત કરી હતી. પ્રથમ વખત ખેલમહાકુંભમાં હું દોડ્યો ત્યારે વોર્ડમાં પ્રથમ નંબરે આવ્યો, ત્યારબાદ ઝોન, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં પણ હું પ્રથમ નંબરે આવ્યો. ત્યારે મને ખબર પડી કે મારામાં આટલું બંધુ ટેલેન્ટ છે. જો ખેલમહાકુંભ ન આવ્યું હોત તો હું મારું ટેલેન્ટ ન દેખાડી શક્યો હોત. ખેલમહાકુંભને કારણે જ મને મારી અંદરની શક્તિને ઓળખવાનો અવસર મળ્યો.
: શરૂઆતમાં દોડી શકતી નહોતી પણ ટ્રેનિંગ બાદ ૧ કલાક ૧૦ મિનિટ સુધી દોડી શકું છું – જાનકી પટેલ
રૂપેશ મકવાણા પાસેથી ટ્રેનિંગ લેનાર જાનકી પટેલ કહે છે કે, મારે આર્મીમાં જવું છે એટલે હું ગ્રાઉન્ડમાં રનિંગ માટે આવી હતી, ત્યાં મને રૂપેશ સર અન્ય યુવાનોને તાલિમ આપતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એમનો સંપર્ક કરીને હું તેમની સાથે ટ્રેનિંગમાં જોડાઇ ગઇ. હું શરૂઆતમાં દોડી શકતી નહોતી, પણ રૂપેશ સરે મને મોટિવેટ કરી અને ખૂબ સારી તાલિમ આપી અને અત્યારે હું ૧ કલાક ૧૦ મિનિટ સુધી દોડી શકું છું. અમારા જેવા યુવાનો માટે આજે ખેલમહાકુંભ એક સારું પ્લેટફોર્મ છે.
 : ખેલમહાકુંભથી યુવાનોમાં સ્પોર્ટને લઇને જાગૃતિ આવી – ઋષભ આર્યા
છેલ્લા એક વર્ષથી રૂપેશ મકવાણા સાથે ટ્રેનિંગ લેનાર ઋષભ આર્યાએ કહ્યું કે, હું ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા આવતો હતો ત્યારે મારો સપંર્ક રૂપેશ સર સાથે થયો હતો. મને એટલી બધી વર્કઆઉટની ટિપ્સ અને તાલીમ આપી જેનાથી હું તમિલનાડુંમાં આયોજીત ૧૦૦ અને ૨૦૦ મીટર લોંગ જમ્પમાં સારું પરફોર્મન્સ આપી શક્યો. આજે ખેલમહાકુંભથી પણ યુવાનોમાં સ્પોર્ટને લઇને જાગૃતિ આવી રહી છે.
: રૂપેશ સરે આપેલી રનિંગની ટિપ્સ મારા કરિયર માટે ઉપયોગી સાબિત થશે – ક્રિષ્ના સોની
ક્રિષ્ના સોની કહે છે, મને સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રેનિંગ વિશે ખબર પડી હતી અને ત્યારબાદ મેં ટ્રેનિંગ લેવા રૂપેશ સરનો સંપર્ક અને અને તેમની સાથે જોડાઇ હતી. મને શરૂઆતથી રનિંગનો શોખ હતો. મને રૂપેશ સર રનિંગમાં ઘણી ટ્રેનિંગ આપી છે. રૂપેશ સરે આપેલી રનિંગની ટિપ્સ મારા આગળના કરિયર માટે ઉપયોગી સાબિત થશે.
: અમને ગર્વ છે કે રૂપેશ અન્ય લોકોને રોજગારની તકો પૂરી પાડી રહ્યો છે – રૂપેશ મકવાણાના પિતા સુરેશભાઇ મકવાણા
રૂપેશ મકવાણાના પિતા સુરેશભાઇ મકવાણાએ કહ્યું કે, રૂપેશને દેશની સેવા કરવાનું મન બનાવી લીધું હતું. અમારા ઘરમાં નાની-મોટી આર્થિક પરિસ્થિતિ આવતી પણ રૂપેશનો ગોલ નક્કી હોવાને કારણે અમે તેને સપોર્ટ કરવાનું ચાલું રાખ્યું આજે અમને ગર્વ છે કે રૂપેશ અન્ય લોકોને રોજગારની તકો પૂરી પાડી રહ્યો છે.

Related posts

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૭૬૧ મિ.મિ. વરસાદ નોંધાયો

gln_admin

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉત્તર ગુજરાત ને મોટી ભેટ, સ્ટેટ હાઇવે 55 પર 399 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ

gln_admin

ચૂંટણીના પરિણામો પહેલા પોલીસ સતર્ક : અમદાવાદમાં હથિયારબંધી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

gln_admin

Leave a Comment