સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ગત તા. ૦૭ મે ના રોજ સાંજે ૦૬.૦૦ વાગ્યે પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ. અને વી.વી.પેટને સલામત રીતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની જહેમતભરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી સ્ટાફ, પોલીસ અને પેરા મિલિટરી ફોર્સના જવાનોએ આખી રાત કવાયત હાથ ધરીને આ કામગીરીને પૂર્ણ કરી હતી.
સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં જિલ્લાની ૬૦-દસાડા, ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા, ૬૪-ધાંગધ્રા અને અમદાવાદ જિલ્લાની ૩૯-વિરમગામ, ૫૯-ધંધુકા એમ કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા મતદાર વિભાગના ૨૧૩૬ મતદાન મથકોએ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી.સંપટના માર્ગદર્શન મુજબ, સાતેય વિધાનસભાના ચૂંટણી અધિકારીઓના નિરિક્ષણમાં ઈ.વી.એમ. સૌથી પહેલાં વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ(VTS) સાથેના વાહનોમાં રીસિવિંગ સેન્ટર પર લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી હથિયારધારી પોલીસની ચુસ્ત સુરક્ષા સાથે તમામ ઈ.વી.એમ. સુરેન્દ્રનગર સ્થિત એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાત્રે જ પહોંચાડવામાં આવ્યા હતા.
આ દરમિયાન ઈ.વી.એમ.વાળા વાહનોનું સતત ટ્રેકિંગ અને મોનિટરીંગ ‘વિ.ટી.એસ.’ એપ્લિકેશન મારફત કરવામાં આવ્યું હતું. લોકસભાના ઉમેદવારો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતમાં ઈ.વી.એમ., વીવીપેટ, વૈધાનિક-બિનવૈધાનિક પરબીડિયાઓ સુરક્ષિત રીતે ગોઠવીને સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યા હતા. તમામ ઈ.વી.એમ.ને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. સમગ્ર પરિસર સાથે તમામ સ્ટ્રોંગ રૂમો સી.સી.ટીવી કેમેરાની નજરથી કેદ કરવામાં આવ્યા છે. આ તમામ સી.સી.ટી.વી કેમેરા રાઉન્ડ ઘ કલોક ચાલુ રહેશે. તેમજ વીજળી સુવિધા અચાનક બંધ થાય તો પણ પાવર મળી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, તેમની ટીમના સહાયક ચૂંટણી અધિકારીઓ, નાયબ મામલતદારો સહીત ચૂંટણી સ્ટાફ આ કામગીરી માટે આખીરાત તહેનાત રહ્યા હતા. ૦૮ મેના રોજ સવારે આશરે ૧૦ વાગ્યા આસપાસ ઈ.વી.એમ.ને અલગ-અલગ સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ થયા બાદ બહાર પેરા મિલિટરીફોર્સના હથિયારધારી જવાનોને સુરક્ષાની કમાન સોંપાઈ છે. જ્યારે પરિસરમાં એસ.આર.પી.ના હથિયારધારી જવાનો તેમજ ગેટ પર પોલીસના જવાનોની સુરક્ષા ગોઠવવામાં આવી છે. હવે તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરીના દિવસ સુધી આ સ્ટ્રોંગરૂમની બહાર હથિયારધારી જવાનોની કિલ્લેબંધી રહેશે.