EDUCATION | 13 MAY, 2024 | 10.23 AM
અમદાવાદ : ગુજરાતમાં તમામ સિલેબસ માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એકસિલન્સનું ભૂમિ પૂજન સંપન્ન થયું હતું આ દરમિયાન તેમણે આ વાત કહી હતી.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિદ્યાભારતી સ્કૂલ ઓફ એકસિલન્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યા ભારતી સંસ્થા વિશે વાત કરતા કહ્યું કે, વિદ્યાભારતી સ્કૂલ ઓફ એકસિલન્સ એ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે બાળકોના ચારિત્ર્ય નિર્માણનું પણ કામ કરી રહી છે. આ સંસ્થા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હંમેશા તત્પર રહી છે અને આગળ આવીને અનેક સામાજિક પહેલ પણ કરી છે, જેનું તાજું ઉદાહરણ મણીપુરની ઘટના બાદ ત્યાંના વિદ્યાર્થીઓ માટે આ સંસ્થાએ ઘણું એવું સારું કામ કર્યું છે. રાષ્ટ્ર પ્રથમના ભાવથી આગળ વધવું હોય ત્યારે વિદ્યાભારતી જેવી સંસ્થા ખૂબ ઉપયોગી સાબિત થશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશમાં ચાલી રહેલા લોકશાહી પર્વની ઉજવણી કરવા બદલ સૌ કોઈ ગુજરાતીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વખતના ઇલેક્શનમાં કેટલાય વર્ષો પછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખીને સૌ કોઈ દેશવાસીઓ એ એકદમ ક્લિયારિટી સાથે વોટ આપ્યા છે. રાષ્ટ્રને આગળ લઈ જવા
માટે સૌ કોઈએ દેશ ભાવના અને દેશભક્તિ સાથે આગળ વધવું જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ અંગ્રેજી અને ગુજરાતી મીડીયમના પ્રભાવ પર વાત કરતાં કહ્યું કે, આજે પ્રભાવ તરીકે જે ઉભું થયું છે એ ઇંગલિશ એક સબજેક્ટ છે, અન્ય એવા કેટલાય વિષયો છે. જેમાં આગળ વધી શકાય એમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં જે ભાષા ચાલતી હોય તેમાં જ ડોક્ટરી પદવી મેળવી શકાય તેવી વ્યવસ્થા પણ કરી છે. ગુજરાતમાં તમામ સિલેબસ માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભૂપેન્દ્રભાઈ પટેલે પટેલે કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સાથે વિરાસત એટલે કે સંસ્કૃતિને પણ જોડી દેવામાં આવી છે. આ સંસ્કૃતિના મજબૂત પાયા પર નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશ આજે દરેક સેક્ટરમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સમગ્ર દેશ તેમજ દુનિયા આજે ભારતના વિકાસને જોઈ પણ રહી છે.
આ કાર્યક્રમમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એકસિલન્સ માટે પોતાનું તન, મન અને ધન અર્પણ કરનાર દાત્તાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતી સ્કૂલ ઓફ એકસિલન્સનું ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, વિશેષ અતિથિ તરીકે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનના ઉપાધ્યક્ષ સાધનાબેન ભંડારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ યશવંતભાઈ ચૌધરી, હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડના સ્થાપક, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવભાઈ ગાંધી, વિદ્યા ભરતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો. નીતિનભાઈ પેથાણી, વિદ્યાભારતીના અધ્યક્ષ ભરતભાઈ ઝવેરી, વિદ્યાભારતીના ઉપાધ્યક્ષ ચિરંજીવીભાઈ પટેલ, વિદ્યાભારતીના મંત્રી વિજયભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.