નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે NFSUના બે પ્રોફેસરો પ્રો. એસ.એસ. આયંગર, એમેરિટસ પ્રોફેસર-NFSU અને પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, ડીન-NFSU દ્વારા સહ-લિખિત પુસ્તક મેન્ટરિંગ બિયોન્ડનું વિમોચન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા.13મી મે, 2024ના રોજ કર્યું છે. સાથે જ ડો. વ્યાસે NFSUના ગાંધીનગર કેમ્પસ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સાયબર સિક્યોરિટીના વર્ચ્યુઅલાઈઝેશન
વીડિયોનું પણ અનાવરણ કર્યું હતું.
NFSUના એમેરિટસ પ્રોફેસર અને મેન્ટરિંગ બિયોન્ડ શીર્ષકવાળા પુસ્તકના લેખકમાંના એક, પ્રો. એસ.એસ. આયંગરે, પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ પુસ્તક માત્ર હ્યુમન મેન્ટર્સ અને AI સિસ્ટમ વચ્ચેના સહઅસ્તિત્વના સંબંધને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેમાં ઉદ્ભવતા નૈતિક પડકારો, ડાયનેમિક ઇન્ટરએક્શન માટે જરૂરી ઉત્તમ પ્રક્રિયાઓને પણ દર્શાવે છે. આ પુસ્તક વિદ્વાનો અને માર્ગદર્શકો માટે એક દીવાદાંડી તરીકે કામ કરશે, જે ભાવિ માર્ગદર્શન આપશે. જ્યાં શિક્ષણ અને માર્ગદર્શનમાં અમૂલ્ય માનવીય સ્પર્શને બદલે ટેક્નોલોજી સ્થાન લઈ રહી છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મેન્ટરિંગ બિયોન્ડ નામના પુસ્તકના પાંચમાંથી બે લેખકો NFSUના છે, જે NFSU માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. આ પ્રકાશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિમત્તા)ના યુગમાં માર્ગદર્શનની શક્તિને સમજવા અને તેનો ઉપયોગ કરવાની સામૂહિક યાત્રામાં એક
મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમ આપણે જાણીએ છીએ તેમ, મેન્ટરિંગ વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દીને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસ કરીને AI જેવી ઉભરતી ટેક્નોલોજી સંદર્ભમાં આ પુસ્તક વિદ્વાનો સહિત ભાવિને પેઢીને વધુ સશક્ત બનાવશે.
આ પ્રસંગે સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; પ્રો. એસ.એસ. આયંગર, એમેરિટસ પ્રોફેસર-NFSU; પ્રો. એચ.બી.પ્રસાદ, પેસ યુનિવર્સિટી, બેંગાલૂરુ અને પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, ડીન-એસસીએસડીએફ-NFSU મંચ ઉપર બિરાજમાન હતા. જ્યારે કાર્યક્રમ દરમિયાન NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, સ્ટાફ અને NFSUના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.