અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાનો સી.એન.સી.ડી. વિભાગ દ્વારા હીટવેવ બાદ હવે લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સી.એન.સી.ડી. વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હીટવેવ પ્રોન વિસ્તારની મુલાકાત લઈ લોકો સાથે સંવાદ અને માર્ગદર્શન તથા ORS પાઉચનું વિતરણ કરાયું હતું જો કે, આ પહેલા મોટી સંખ્યામાં લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની ગયા છે આ ઉપરાંત ઝાડા, ઉલટી, મુર્છીત થવાની ઘટનાઓ પણ બની રહી છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે મહાનગરપાલિકાના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા હીટવેવ બાબતે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીટવેવ અને ગરમીના પ્રકોપથી બચવા માટે હીટવેવ એકશન પ્લાન અંતર્ગત વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદના વિવિધ ઝોનમાં સી.એન.સી.ડી. વિભાગની ઝોનવાઈઝ અને શિફટવાઈઝ ટીમો કાર્યરત છે. આ ટીમો હીટવેવ પ્રોન વિસ્તારોની મુલાકાત લઇ નાગરિકોને સમજ આપે છે. સાથોસાથ ORSના પેકેટનું વિતરણ કરી તેને ઉપયોગમાં લેવાની, નિયત પેમ્ફલેટનુ વિતરણ કરી હીટવેવથી બચવા માટેના વિવિધ ઉપાયો અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવે છે.
જો કે, એટલું જ આ ગરમીમાં પૂરતું નથી પરંતુ મોટા ચાર રસ્તા પર વાહનો ઉભા રહેતા હોવાથી કંતાનો બાંધવા, પાણીની વ્યવસ્થા કરવા, છાસ વિતરણ તેમજ અન્ય કામો એટલે કે વધુ ઠંડા પાણીના ફૂવારાઓ શરુ કરવા સહીતના કામો પણ કરવા જરુરી છે અને સૌથી મહત્વનું એ કે, અત્યાર સુધીમાં જે વૃક્ષો વાવવામાં આવ્યા છે તેનું જતન સંપૂર્ણ થવું જરુરી છે કેમ કે, કેટલીક જગ્યાઓ પર નામના વૃક્ષો વાવવામાં આવ્યા હતા એ ઝાડ મુરઝાઈને સુકાઈ ગયા છે.