Gujarat Live News
Uncategorized

ચોમાસામાં વાવાઝોડું અને વીજળી ભારતના મોટા ભાગને અસર કરતા હવામાનના મુખ્ય સંકટો, જાણો નાગરિકોએ શું તકેદારી રાખવી….

  • અગમચેતી એ જ સલામતી..
  • ચોમાસામાં વાવાઝોડું અને વીજળી ભારતના મોટા ભાગને અસર કરતા હવામાનના મુખ્ય સંકટોમાંના એક
  • જાણો વાવાઝોડું અને વીજળી વખતે નાગરિકોએ શું તકેદારી રાખવી….

વાવાઝોડું અને વીજળી ભારતના મોટા ભાગને અસર કરતા હવામાનના મુખ્ય સંકટોમાંના એક છે, જેના પરિણામે મોટી સંખ્યામાં માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની સાથે સંપત્તિનું પણ નુકસાન થતું હોય છે. છેલ્લા ૨૦ વર્ષોમાં (૨૦૦૧-૨૦૨૧) સરેરાશ ૨૫૦૦ જેટલા લોકોએ વાવાઝોડું અને વીજળીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનને કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. આથી કમોસમી વરસાદ કે વર્ષાઋતુમાં વાવાઝોડા અને વીજળી સમયે અગમચેતીરૂપે નાગરીકોએ નીચે મુજબની તકેદારીઓ લેવી જોઈએ.

વીજળી અને વાવાઝોડા સમયે ઘરની બહાર જતી વેળાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:-

(૧) કોઈપણ આઉટડોર પ્રવૃત્તિઓ હાથ ધરતા પહેલા હવામાનની આગાહી તપાસો. વાવાઝોડા અને વીજળીની સ્થિતિમાં ૩૦ મિનિટ સુધી ઘરની અંદર રહો.

(૨) જ્યારે વીજળી કડાકા કરતી હોય ત્યારે ઘર, ઑફિસ, શોપિંગ સેન્ટર જેવી સુરક્ષિત જગ્યા કે બિલ્ડીંગમાં આશ્રય લો.

(૩) શિખરો, ટેકરીઓ કે પર્વત જેવા ઊંચા વિસ્તારો પર હોવ તો, નીચે ઉતરી જવું.

(૪) ખુલ્લા વિસ્તારમાં હોવ તેવી સ્થિતિમાં, ઝડપથી નજીકના સલામત સ્થળે આશ્રય લો.

(૫) આદર્શ રીતે નીચે હોય તેવું આશ્રયસ્થાન પસંદ કરવું અને પૂર આવવાની શક્યતા નથી તેવી ખાતરી કરવી.

(૬) તળાવો કે અન્ય જળાશયોમાંથી તાત્કાલિક બહાર નીકળો અને દૂર જાઓ.

(૭) વીજળીનું સંચાલન કરતા તમામ ઉપકરણો અને લાઈનોથી દૂર રહેવું. જેમ કે, ટેલિફોન, પાવર, મેટલ વાડ, ઓવરહેડ વાયર, રેલ-રોડ ટ્રેક, પવનચક્કી, વૃક્ષો અને ટેકરીઓ વગેરે.

(૮) ટોળામાં રહેવાના બદલે છુટાછવાયા રહેવું.

(૯) રબર-સોલ્ડ શૂઝ અને કારના ટાયર વીજળીથી રક્ષણ આપતા નથી.

વીજળી અને વાવાઝોડા સમયે ઘરની બહાર જતી વેળાએ આટલી બાબતો ટાળો:

(૧) પ્રતિકૂળ હવામાન દરમિયાન ખાસ કરીને ખેતીવાડીમાં કામ કરવા, ઢોર ચરાવવા, માછીમારી અને બોટ ચલાવવા અથવા સામાન્ય મુસાફરી કરવા માટે ઘરની બહાર ન જવું.

(૨) જો તમે જંગલ વિસ્તારમાં હોવ તો નાના વૃક્ષો નીચે આશ્રય લો.

(૩) વીજળી થતી હોય ત્યારે ઈલેક્ટ્રિક કે ટેલિફોનના થાંભલા કે મોટા ઝાડ નીચે આશરો ન લેવો.

(૪) ધાતુની વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં અને બાઈક, ઈલેક્ટ્રિક અથવા ટેલિફોન થાંભલા, તારની વાડ, મશીનો વગેરેથી દૂર રહો.

(૫) વીજળી પડવાની સ્થિતિમાં જમીન સાથે ઓછામાં ઓછા સંપર્ક રાખી તાત્કાલિક નીચા નમી જઈને કાન ઢાંકી દેવા જોઈએ. સૂવું નહીં કે જમીન પર હાથ ટેકવવા જોઈએ નહીં.

(૬) વીજળી દરમિયાન ક્યારેય પણ લોખંડના સળિયા સાથે મોબાઈલ ફોન અને છત્રીનો ઉપયોગ કરશો નહીં.

જયારે તમે ઘરની અંદર હોય ત્યારે આટલી બાબતોનું ધ્યાન રાખો:

(૧) સ્થાનિક મીડિયા જેવા સંદેશાવ્યવહારના જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવતી અપડેટ્સ અને ચેતવણી-સૂચનાઓ પર દેખરેખ રાખો.

(૨) ઘરની અંદર રહો અને શક્ય હોય તો મુસાફરી ટાળો.

(૩) દરવાજા, બારીઓ, પોર્ચ અને કોંક્રિટ ફ્લોર, ફાયરપ્લેસ સ્ટવ, બાથટબ અથવા અન્ય કોઈપણ વિદ્યુત વાહક ઉપકરણોથી દૂર રહેવું.

(૪) કમ્પ્યુટર, લેપટોપ, ગેમિંગ સિસ્ટમ, વોશર, ડ્રાયર્સ, સ્ટવ અથવા ઈલેક્ટ્રિકલ આઉટલેટ સાથે જોડાયેલ તમામ ઈલેક્ટ્રિકલ ઉપકરણોને અનપ્લગ કરો.

(૫) બારીઓ અને દરવાજા બંધ રાખો અને તમારા ઘરની બહારની વસ્તુઓ સુરક્ષિત રાખો (દા.ત. ફર્નિચર, ડબ્બા, વગેરે.)

(૬) બાળકો અને પાલતુ પ્રાણીઓ ઘરની અંદર જ રહે તેની ખાતરી કરવી.

(૭) ઝાડનું લાકડું અથવા અન્ય કોઈપણ કાટમાળ જે ઉડીને અકસ્માતનું કારણ બની શકે તેને દૂર કરો.

જયારે તમે ઘરની અંદર હોય ત્યારે આટલી બાબતો ન કરવી:

(૧) વીજળી અને વાવાઝોડા દરમિયાન સ્નાન ન કરો, વાસણો ધશો નહીં અથવા સ્થિર અથવા વહેતા પાણી સાથે અન્ય કોઈ સંપર્ક કરશો નહીં કારણ કે વીજળી બિલ્ડિંગના પ્લમ્બિંગ અને મેટલ પાઈપોમાંથી પસાર થાય છે.

(૨) કોર્ડેડ ફોન અથવા કોઈપણ મેટલ વાયર સાથે જોડાયેલ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરશો નહીં.

(૩) ખુલ્લા વાહનો જેમ કે કન્વર્ટિબલ્સ, મોટરસાયકલ અને ગોલ્ફ કાર્ટ, ખુલ્લી જગ્યાઓ જેવી કે, પોર્ચ, મેદાન, બાગ-બગીચા, તળાવ, સરોવર, સ્વીમીંગ પુલ, બીચથી દુર રહેવું.

મુસાફરી દરમિયાન શું કરવું અને શું નહીં ?

(૧) આઉટડોર પ્રવૃત્તિઓ કરતા પહેલાં હવામાનની આગાહી તપાસો. જો વાવાઝોડાની આગાહી અથવા ચેતવણી હોય, તો મુસાફરી અથવા આઉટડોર પ્રવૃત્તિઓ મુલતવી રાખો.

(૨) કન્વર્ટિબલ્સ, મોટરસાયકલ અને ગોલ્ફ કાર્ટ જેવા ખુલ્લા વાહનો સહીત ખુલ્લી જગ્યાએ જવાનું ટાળો.

(૩) વીજળીને તરત જ આકર્ષી શકે છે તેવા સાયકલ, મોટરસાયકલ અથવા ખેતરના વાહનો પર પરિવહન ન કરવું

(૪) જો બોટિંગ અથવા સ્વિમિંગ કરતા હોવ તો ત્વરિત સલામત જગ્યાએ આશ્રય લો.

(૫) જ્યાં સુધી મદદ ન આવે અથવા તોફાન પસાર ન થાય ત્યાં સુધી વાહનની અંદર જ રહો કારણ કે ધાતુની છત રક્ષણ પૂરું પાડશે. વિન્ડોઝ ઉપર રહેવી જોઈએ અને વાવાઝોડા દરમિયાન વાહન વૃક્ષો અને પાવર લાઈનોથી દૂર પાર્ક કરવું જોઈએ.

(૬) વીજળીના કડાકા અને વાવાઝોડાને કારણે આગ લાગવાની સંભાવના હોવાથી જંગલ વિસ્તારમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં આવી જવું.

 

વીજળી પડે ત્યારે ત્વરિત પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ?

(૧) કરંટ લાગનાર વ્યક્તિને ડોક્ટર આવે ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે તો માનવ જીવન બચાવી શકાય છે.

(૨) કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસ અને ધબકારા તપાસો. પલ્સ તપાસવા માટે શ્રેષ્ઠ સ્થાન એ કેરોટીડ ધમની છે. જે ગરદન પર સીધા જડબાની નીચે જોવા મળે છે.

(૩) જો પીડિત શ્વાસ ન લેતો હોય, તો તરત જ તેમને સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. ત્યારબાદ તેમને તુરંત જ પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.

(૪) વીજળીના ઝટકાને કારણે પીડિતની આંખની રોશની, સાંભળવામાં ખોટ કે હાડકું ભાગ્યું છે કે નહિ તે તપાસવું તેના કારણે લકવો કે મોટા પ્રમાણમાં રક્તસ્રાવ પણ થઈ શકે છે.

(૫) વીજળીના ચમકારા સતત ચાલુ હોય તો, પીડિતને સુરક્ષિત સ્થાન પર ત્વરિત ખસેડો.

(૬) વીજળીના કારણે પીડિત દાઝી જાય કે ટ્રોમામાં સરે પડે તો તુરંત જ હોસ્પિટલમાં ખસેડવા.

(૭) જે વ્યક્તિ ઉપર વીજળી ત્રાટકી છે તેની સહાયતા માટે યોગ્ય દિશા – નિર્દેશ અને માહિતી મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ૧૧૨/૧૦૭૮ પર કૉલ કરો.

Related posts

વિશ્વ કોમ્યુનુકેશન ડે – ભારતમાં 820 મિલિયન લોકો અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

gln_admin

BNI દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાના બિઝનેસની સમજ પ્રેઝન્ટેશન સાથે લોકોને આપી

gln_admin

વિદેશ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય હેઠળ  5 વર્ષમાં અમદાવાદ જિલ્લામાંથી 1026 વિદ્યાર્થીઓને 15.39 કરોડની લોન અપાઈ

gln_admin

Leave a Comment