રાજકોટ : રાજકોટ શહેર માટે શનિવારનો દિવસ કાળ સમાન સાબિત થયો હતો. કાલાવાડ રોડના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વેલ્ડિંગ કરતી વેળાએ આ આગની ઘટના બની હતી. ત્યારે એ સમયે મોલમાં રહેલા લોકો આગમાં ભડથુ થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર 28 જેટલા લોકોના મોત થયા છે. આ 3 માળના મોલમાં બહું ઓછા લોકો બહાર આવી શક્યા હતા. વેકેશનના માહોલમાં ગેમનો આનંદ લેવા માટે આવેલા લોકોને બેદરકારીના કારણે મોત મળ્યું હતું. એ લોકોનો શું વાક હતો જેઓ વેકેશનમાં તેમના બાળકોને લઈને ગેમ ઝોનમાં ગયા હતા. આ મોલને યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ રાઠોડ નામના વ્યક્તિ ચલાવતા હતા. આ ગેમઝોનનું સ્ટ્રક્ચર લોખંડ અને પતરાનું હતું. સ્ટ્રક્ચર એ રીતનું હતું કે આ પ્રકારની ઘટના ગંભીર સ્વરુપ ધારણ કરી શકે તેમ હતી.
આ ઘટનામાં મૃતદેહો એ હદ સુધી બળી ગયા છે કે, તેમની ઓળખ જાહેર કરવી મુશ્કેલ બની ગયું છે. ડીએનએ ટેસ્ટ બાદ જ મૃતદેહ કોનો છે એનો ખ્યાલ આવી શકે તેમ છે. આ પ્રકારની ઘટના પરથી આ આગ કેટલી વિકરાળ હશે તેનો અંદાજ ગલાવી શકાય છે. આ ઘટનાને પગલે ગૃહરાજ્ય મંત્રી ગર્ષ સંઘવી રાજકોટ દોડી આવ્યા હતા. સીએમ પણ આજે આ દૂર્ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવશે. ત્યારે આ દુઃખદ ઘટનામાં રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને હસતા ચહેરા સાથે કહ્યું આમાં હવે શું કરી શકાય ત્યારે લોકોમાં પણ આ ગંભીર ઘટના બાદ તેમના સ્મિત ભરેલા ચહેરાને જોઈને આક્રોશ જોવા મળ્યો હતો.
ત્યારે બીજી તરફ સવાલ એ પણ છે કે, શું આ પ્રકારે રુપિયા કમાવવાની લાયમાં સેફ્ટીનું ધ્યાન નથી રખાતું, શું તંત્ર આ પ્રકારની બેદરકારી ભર્યા સ્ટ્રક્ચર સામે આંખ આડા કાન કરી રહ્યું છે. શું આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે સરકાર રાહ જોઈ રહી હોય છે. શું તક્ષશિલા કાંડ, હરણી દૂર્ઘટના, મોરબી દૂર્ઘટના અને હવે રાજકોટની આ ગોઝારી અતિ દુઃખદ ઘટના બાદ દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરાશે, કેમ કે, અગાની કાર્યવાહીઓમાં કેટલાક આરોપીઓ બહાર ફરી રહ્યા છે.