- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં મતદાન કર્યું
- રાષ્ટ્રના નિર્માણ, ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગીણ વિકાસ માટે તમારા મતનો અવશ્ય ઉપયોગ કરો : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકતંત્રના મહાપર્વમાં એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યોનું પાલન કરતાં આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં બુથ નંબર 157માં મતદાન કર્યું હતું.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે હરિયાણામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકમાંથી બહાર આવીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના સંવિધાને પ્રત્યેક વયસ્ક ભારતીયને મત આપવાનો અધિકાર આપ્યો છે. એટલે આપણું નૈતિક કર્તવ્ય છે કે, રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, કલ્યાણ માટે, સર્વાંગીણ વિકાસ માટે
મતનો અવશ્ય ઉપયોગ કરીએ.
તેમણે કહ્યું કે, જીવનમાં અનેક કામો આપણી અગ્રતાના હોય છે. પરંતુ મતદાનના દિવસે અગત્યના અનેક કામો છોડીને પણ નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરતાં અવશ્ય મતદાન કરવું જોઈએ. હું પણ મતદાન માટે જ આજે ગુજરાતથી અહીં હરિયાણા આવ્યો છું. આવો, લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લો અને નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરો.