- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાંચ સાહિત્યકારોને પારસચંદ્રક એનાયત કરાયા
- પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, રઘુવીર ચૌધરી સહિતના અનેક સાહિત્યકારોની ઉપસ્થિતિ
અમદાવાદ : સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન બદલ પાંચ સાહિત્યકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યા. પારસ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. પારસ ફાઉન્ડેશન દ્વારા આજે આયોજિત આ એવોર્ડની પ્રથમ આવૃત્તિ હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સંવેદનશીલ વ્યક્તિત્વ છે. તેમની કવિતાને ટાંકીને મુખ્યમંત્રીશ્રીએ તેમને શબ્દોના ઉપાસક ગણાવ્યા. સંસ્કૃતિ અને ભાષાને જાળવી રાખવામાં સાહિત્યની સર્વોચ્ચ ભૂમિકા છે. એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે, સરકાર પણ સાહિત્ય અને સર્જકો માટે પ્રોત્સાહક અભિગમ ધરાવે છે.
સમાજમાં જાગૃતતા ફેલાવવામાં સાહિત્યની ચાવીરૂપ ભૂમિકા છે તેમ ઉમેરી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સાહિત્યકાર જાગૃત હશે તો સહુને જાગૃત કરશે. સાહિત્યકારોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના આયોજનો થતા રહેવા જોઈએ. એમ ઉમેરી તેમણે પારસ ફાઉન્ડેશન અને તમામ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આજના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, વિનેશ અંતાણી, ભાવેશ ભટ્ટ , રામ મોરી, મનીષ પાઠકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત અને અન્ય રાજ્યોના અનેક સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. આ ઉપરાંત
આમંત્રિત મહેમાનો અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.