૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : વિરમગામ ખાતે પપેટ શો દ્વારા જનજાગૃતિનો પ્રયાસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પોપેટ શો દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતિ કરવામાં આવી હતી.
વિશ્વ તમાકુ નિષેધ દિન પૂર્વે ‘તમાકુ છોડો, એક પગલું સમજદારી તરફ’ વિષય પર પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે આયોજિત તાલીમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર, જિલ્લાના અધિકારીઓ સહિતના લોકો દ્વારા તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ખાસ કરીને બાળકોને તમાકુ સહિતના વ્યસનોથી દૂર રાખવા એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જો કોઈ વ્યક્તિ તમાકુ સહિતના કોઈ પણ વ્યસન છોડવા માગતા હોય તો તેઓ નેશનલ ટોબેકો ક્વીટ લાઈન સર્વિસના ટોલ ફ્રી નંબર 1800112356 પર સંપર્ક કરીને સલાહ મેળવી શકે છે.
અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૮૦ લાખ લોકાના મૃત્યુ થાય છે અને પરોક્ષ ધુમ્રપાનની અસરથી વિશ્વમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે.
વિશ્વમાં દર છ સેકન્ડે ૧ એક વ્યક્તિનું તમાકુના સેવનને કારણે મૃત્યુ થાય છે. આમ, દર મિનિટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન લાંબા સમયે હૃદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર થાય છે.
તમાકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હૃદયની બીમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકી આવવી જેવી તમાકુની ખરાબ અસરો થઈ શકે છે.
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બી. કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટીન એક મજબૂત ઝેરી વ્યસન છે. કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઇચ્છાશક્તિ રાખે તો તમાકુનું વ્યસન છોડી શકે છે.