ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણી યોજાઇ હતી જેનુ પરિણામ તારીખ 04 જૂનના રોજ જાહેર થયુ છે.પરિણામ જાહેર થયા પછી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,પ્રદેશ પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશના કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રકાકા,પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, રાજયનામંત્રીઓ હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ ચૂંટણીના પરિણામ અંગે જણાવ્યું કે, દેશમા લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઇ છે તેના માટે મતદારો,અધિકારીઓ,પદાધિકારીઓ,પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ સહિત નામી અનામી અનેક લોકોનો આભાર વ્યકત કરુ છું. ચુંટણી પ્રક્રિયાના આ જટીલ કાર્યમા એક પણ અનિચ્છનીય ઘટના બની નથી. આજે ગુજરાતમા તમામ 26 બેઠકોની પરિણામ જાહેર થયુ છે જેમા ભારતીય જનતા પાર્ટીને એક બેઠકનુ નુકશાન થયું છે.
પાટીલએ વધુમાં જણાવ્યું કે, આ અગાઉ બે વખત લોકસભામા 26 માંથી 26 બેઠકો ભાજપ જીતવામા સફળ થઇ હતી અને આ વખતે ગુજરાતમા 26 માથી 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠક બનાસકાંઠાની અમે જીતી નથી શક્યા. આ બેઠક હારવાનુ દુખ છે અને જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઇ ભુલ થઇ હશે જેના કારણે આ એક બેઠક નુકશાન થયુ છે.અમારી ભુલો શોઘવાનો પ્રયત્ન કરીશું.
પાટીલએ સુરતની બેઠક અંગે જણાવ્યું કે, આખા દેશમા ભાજપની સુરતની બેઠક બિનહરિફ થઇ હતી આ સિવાય બાકીની 24 બેઠકોમા ભાજપને મતદારોનુ સમર્થન અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ જે રીતે ઉમેદવારની પ્રક્રિયાથી માંડી દરેક રીતે મદદરૂપ થયા તેના કારણે જીત મેળવવામા સફળતા મળી છે. ગુજરાતમા 25 બેઠકો જીતવા બદલ સૌ મતદારો અને ગુજરાતના તમામ લોકોનો આભાર વ્યકત કરીએ છીએ. આ જીત ગુજરાતના વિકાસનુ અને મતદારોનો ભાજપ પ્રત્યે વિશ્વાસ છે તેનુ પ્રતિબિંબ છે. અમારાથી થયેલી ક્ષતીને દુર કરવાનો પ્રયત્ન કરીશું.
પાટીલએ રાજકોટમા થયેલા અગ્નિકાંડને યાદ કરતા જણાવ્યું કે, રાજકોટની અગ્નિકાંડની ઘટનાનુ ખૂબ દુખ છે જેના કારણે આ જીતની ઉજવણી કે રેલી યોજવામા આવશે નહી. રાજકોટની ઘટનામા પીડિતોના પરિવારમા સહભાગી થવાનો પ્રયત્ન કરીએ છીએ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતું કે, આજે લોકસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થયુ છે. ગુજરાતમા 26 માંથી 26 બેઠક બે વખત જીત્યા હતા આ વખતે પણ કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતથી 26 માથી 26 જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠકમા મતદારોનુ દિલ જીતવામા સફળતા નથી મળી. બનાસકાંઠાની હારમા જે કયાંય ત્રુટી રહી ગઇ છે તેનુ મનોમંથન કરીશું અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બને તે દિશામા કામ કરવાનો પ્રયાસ કરીશું.