- માનવજાતને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી અને દૈશી ગૌ વંશનું સંરક્ષણ એ જ એકમાત્ર ઉપાય છે – જીવરાજભાઇ ગઢવી, ખેડૂત, ભોરારા
- પ્રાકૃતિક ખેતી કરતા જમીનની ફળદ્રુપતા તો વધી જ છે સાથે પરંતુ આર્થિક રીતે અમે સમૃધ્ધ થયા છીએ
- ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરતા તથા વચેટીયાઓની બાદબાકી થઇ જતાં મહત્તમ નફો ખેડૂતને મળી રહ્યો છે
ભુજ, શુક્રવાર : આજના સમયમાં દૂષિત થયેલા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં કેમીકલયુકત ખેતીનો મોટો ફાળો છે. જેનાથી જમીન, હવા પ્રદૂષણ સાથે લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે. આ સ્થિતિમાં સુધાર લાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીને આવનારી પેઢી તથા પર્યાવરણના જતનમાં ભાગીદારી નોંધાવી શકે છે તેવું મુંદરા તાલુકાના સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જીવરાજભાઇ ગઢવીએ જણાવ્યું હતું.
તેઓએ પોતાની પ્રાકૃતિક ખેતીની સફર વિશે જણાવતા ઉમેર્યું હતું કે, અગાઉ જયારે ઝેરી દવા,જતુંનાશકો તથા યુરીયા સહિતના ખાતરનો ઉપયોગ કરતો ત્યારે મારી જમીનનો ઓર્ગેનિક કાર્બન તળીયે પહોંચીને જમીન બીન-ઉપજાઉ બની ગઇ હતી. ૨૦૧૬થી સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી અંગેના સેમીનાર, શિબીર વગેરેમાં ભાગ લઇને જાણકારી મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને વર્તમાન સમયમાં ચમત્કારીક પરીણામો જોઇ રહ્યો છું. પ્રથમ તો મારી જમીનની ફળદ્રુપતા આશ્ચર્યજનક રીતે વધી છે. હાલ ઓર્ગેનિક કાર્બન ગુજરાત રાજયમાં જે અવ્વલ કહેવાય તે કેટેગરીમાં મારી જમીનનો ૨.૦૫ છે. ઉપરાંત શાકભાજી, અનાજ, ફળપાકો સહિતનું ઉત્પાદન ગુણવત્તાયુકત અને બમણું થઇ રહ્યું છે. ગૌવંશ આધારીત ખેતી થકી આજે પર્યાવરણને ફાયદો થયો છે સાથે લોકોને ૧૦૦ ટકા ઝેરમુકત ઉત્પાદન આપી રહ્યાનો આત્મસંતોષ મેળવી રહ્યો છું.
જયારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે માત્ર એક ગાય હતી પરંતુ આજે આ ખેતીની દેન થકી જ ૫૦ ગાયો છે. જેના દૂધના વેચાણ ઉપરાંત ગૌમૂત્ર, ગૌબરનો ઉપયોગ ખેતીમાં કરીએ છીએ. આજે અમારી પાસે ગ્રાહકોની સંખ્યા સામે ઉત્પાદન ઓછું પડે છે તેવી સ્થિતિ છે.
અમે અમારા ઉત્પાદન સીધા જ ગ્રાહકોને વેચતા હોવાથી કોઇ વચેટીયાનો રોલ રહેતો નથી. પરીણામે અમને ફાયદો થાય છે સાથે જ અમે અમારા ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરતા હોવાથી અન્ય પ્રોડકટના સારા ભાવ મળી રહે છે. આમ, પ્રાકૃતિક ખેતીએ અમને સમૃધ્ધ કર્યા છે ત્યારે મારી સર્વ ખેડૂતોને અપીલ છે કે, શરૂઆત ઓછામા ઓછી એકરથી કરીએ અને ભવિષ્યને સુરક્ષિત કરીએ.