- ગુજરાત ગેસ કંપની અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગેસ લિકેજની ઈમરજન્સીમાં બચાવ અને રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ
- નાંદોદના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પમ્પ સ્ટેશન ખાતે ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લિકેજથી આગ લાગી : માત્ર ૩૩ મિનીટમાં ગેસ લિકેજ અને આગ પર કાબુ મેળવાયો
- ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રિસ્પોન્ડ કરી બચાવ અને રાહતના પગલાઓનું આબેહૂબ નિદર્શન
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાથી માત્ર પાંચ કિમીએ નાંદોદ
તાલુકાના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના CNG પંપ સ્ટેશનના LNG (નેચરલ ગેસ)મા ટેન્કરની
પાઈપમાંથી ગેસ લિકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના
ઈમરજન્સી સંસાધનો, નગર પાલિકા ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ
વિભાગના સંયુક્ત રિસ્પોન્ડીંગ પ્રયાસોથી 35 મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ અને આગ પર ત્વરિત
કાબૂ મેળવાયો હતો. આ મોકડ્રીલમાં આગથી ઈજા પામેલા ત્રણ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ
હોસ્પિટલ રાજપીપલામાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી નર્મદા જિલ્લા આપત્તિ
વ્યવસ્થાપન તંત્ર અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત
પગલાઓ અને બચાવ રાહતકાર્યની દિલધડક રીતે મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ, આગ જેવા
સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ મદદ મળી રહે તથા
સંબંધિત વિભાગોમાં એક સતર્કતા જાગૃતતા જાળવવા અને જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક
સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના માનવ જીવનની રક્ષા કરવાનો હતો.
સવારે ૧૧.૪૨ વાગ્યે કંપનીનો ટેકનિશિયન ટેન્કર પાસે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન
કેન્ટરનો વાલ્વ ખૂલી જતાં ગેસ લિકેજ થયું અને અચાનક આગ પણ લાગી હતી. તે અંગેની જાણ સંબંધિત
ડિઝાસ્ટર શાખાને કરતા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઈમરજન્સી કોલ આપતા તેઓ ઘટના સ્થળે દોડી
આવ્યા હતા. ગેસની અસર થતાં એક કર્મચારી સ્થળ પર પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. પવનના વેગને
કારણે આગ લાગી હતી, પરિણામે બીજા એક કર્મચારી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતાં તેને પણ ઈજા
થઇ હતી. જેની જાણ ગેસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા
તાત્કાલિક કંપનીના ફાયરના સાધનો સાથે અન્ય કર્મીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
108ને તુરંત જાણ કરાતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને બે ઈજાગ્રસ્ત કર્મીઓને
રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને
રોકવાના અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ ગેસ લિકેજના કારણે આગ વધતી જતી
હોવાથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ચૌધરી તથા
નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવાના વડપણ હેઠળના નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન
કમાન્ડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી.
સાથોસાથ રાજપીપળા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ
પર પહોંચી ટેન્કરની ચારેબાજુથી પાણી અને ફોમનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં
સફળતા મળી હતી. આગ ઓલવવાની કાર્યવાહી દરમિયાન નગર પાલિકા ફાયર વિભાગના એક કર્મીને પણ
ઈજા પહોંચતા તેને પણ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો
હતો. ગુજરાત ગેસ કંપની તરફથી ઉપસ્થિત ભરૂચ-નર્મદાના હેડ શ્રી હર્ષલ દેસાઈ તથા જિલ્લા આપત્તિ
વ્યવસ્થાપન ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત નાંદોદ મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરીએ ૧૨.૧૫
કલાકે ઓલ ક્લિયરન્સ આપતા માત્ર ૩૩ મીનિટમાં ગેસ લિકેજ અને આગની ઘટના ઉપર તુરંત કાબુ
મેળવ્યો હતો.
સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર
મળતા ખતરામુક્ત બન્યા હતા, ગુજરાત ગેસ કંપની, નગર પાલિકા ફાયર, આરોગ્ય વિભાગ, પોલીસ તેમજ
આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત પ્રયાસોથી આ ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી.
મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી
કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપ-લે કરી હતી. અહીં તમામ
વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહતબચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ
કરાયું હતું. ઈમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લિકેજને અટકાવવાના
પ્રયાસો અંગે પ્રેક્ટીકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે
છે તેવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.
આ મોકડ્રીલમાં નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવા. ઈન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી
એસ.ડી.ચૌધરી, એએસપી શ્રી લોકેશ યાદવ, ડિવાયએસપી (હેડક્વાટર)શ્રી પી.આર.પટેલ, ડીવાયએપીશ્રી
કૃનાલ પરમાર, મામલતદારશ્રીમતી પદ્માબેન ચૌધરી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-ભરૂચ કચેરીના સેફ્ટી
ઈન્સ્પેક્ટરશ્રી, ગુજરાત ગેસ કમપનીના સુરત રિજિયોનલ ઓફિસરશ્રી ભાસ્કર જોષી, ગુજરાત ગેસ કંપનીના
ભરૂચ-નર્મદાના હેડ શ્રી હર્ષલ દેસાઈ, રાજપીપલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડો. આરતી શર્મા, જિલ્લા
એપેડેમિક ઓફિસરશ્રી આર.એસ.કશ્યપ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની ટીમ સહિત જિલ્લા
વહીવટીતંત્રના અધિકારીઓ, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.