- કચ્છના મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતીના સહારે પોતાની આવકમાં વધારો કર્યો
- દેશી ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતી કરીને શાકભાજી તથા બાગાયતી ખેતી
- પ્રાકૃતિક પાકોનું વેલ્યુ એડીશન કરીને કરે છે તગડી કમાણી
ભૂજ : એસ.વાય.બી.એ સુધી અભ્યાસ કરેલા ભચાઉ તાલુકાના કુંભારડીના રમાબેન વોરા આજ સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરીને મહિલા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. ૧૫ એકરમાં તેઓ ૧૨ ગાયોના પાલન સાથે પ્રાકૃતિક કૃષિ થકી ધાન્ય, શાકભાજી તથા બાગાયતી ખેતી કરીને તગડી કમાણી કરી રહ્યા છે. ઝેરમુકત ખેતી થકી તેઓ ગુણવત્તાયુકત પાક સાથે પોતાની આવકમાં પણ વધારો કર્યો છે.
રમાબેન વોરાએ જણાવે છે કે, ૭ દિવસીય પ્રાકૃતિક કૃષિની શિબિર કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલી. અત્યાર સુધી અનેક તાલીમ મેળવી છે. તેઓ ઉમેર છે કે, રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જાય છે, તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે, જેનાથી મજુરી ખર્ચ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે તથા પાકની ગુણવત્તા સારી હોતી નથી.. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા રાસાયણિક ખેતીમાં પાકને વધુ પિયતની જરૂર પડે છે.
જયારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર વગેરે બનાવીને તેનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે. આ પ્રયોગ થકી મારી જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં સુધારો થયો છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સુક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. ઉત્પાદન વધતા આર્થિક સધ્ધરતામાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડા, ડાળીઓ વગેરેનું આચ્છાદન કરવાથી જમીનની ભેજધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઇ જાય છે. જમીનમાં અળસિયા વધતા ફળદ્રુપતા વધી છે, અળસીયા થકી જમીનમાં છીદ્રો વધતા વરસાદનું પાણી જમા ન થતાં સીધું જ જમીનમાં ઉતરી જાય છે.
રમાબેન કહે છે કે, તેઓ ૧૫ એકર જમીનમાં હાલ કપાસ, દિવેલા, ડ્રેગન ફ્રુટ, શક્કર ટેટી, લીંબુ, આંબા, ખારેક, શાકભાજી વગેરે પાકોનું વાવેતર કરેલું છે. જેનું સીધું વેચાણ તેઓ બજારમાં કરે છે. જેના થકી સારી કમાણી થઇ રહી છે ઉપરાંત પ્રોડકટનું મુલ્યવર્ધન કરીને વેચાણ કરતા બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનોની સારી એવી માંગ છે.
તેઓ જણાવે છે કે, રાસાયણિક ખેતીના કારણે જમીનનું બંધારણ અને લોકોનું સ્વાસ્થય બગડયું છે ત્યારે હવે કિસાનોએ જાગૃત બનીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. આ ખેતીથી પર્યાવરણ, લોકો તથા ખેડૂતને ફાયદો જ ફાયદો છે. રાજયપાલશ્રી તથા ગુજરાત સરકાર જયારે પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ચલાવી રહી છે ત્યારે સૌ કિસાન તેમાં જોડાય તે સમયની માંગ છે.