- પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો
- પ્રાકૃતિક ખેતીમાં સફળ થવાની ચાવીઓ એટલે જીવામૃત, બિયારણ અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન
- કેમિકલ કંપનીની નોકરી છોડી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનેલા ખેડૂત
- વાસુદેવભાઈ ડોડિયાએ જણાવી પ્રાકૃતિક ખેતીમાં સફળ થવાની કહાણી
- જીવામૃતનો ઉપયોગ કરી, પોતાનું જ બિયારણ વિકસાવી તથા ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરી મેળવ્યો મબલખ નફો
AHMEDABAD : આ વાત છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના ખેડૂત વાસુદેવભાઈ
ડોડિયાની. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર વાસુદેવભાઈએ ભણવાનું છોડ્યા બાદ એક
કેમિકલ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ મનમાં કંઈક અલગ જ દિશામાં આગળ વધવાની
તમન્ના હતી. કેમિકલ કંપનીમાં કામ કરતા તેમને એક વાત તો સમજાઈ ગઈ હતી કે ખેતીમાં
જંતુનાશક દવા અને રાસાયણિકનો અતિરેક સમગ્ર માનવસૃષ્ટિને કદીએ ભરપાઈ ન થઈ શકે
તેટલું નુકસાન કરશે. બસ, આ જ વિચારે તેમને પ્રાકૃતિક ખેતી તરફ દોર્યા અને શરૂ થઈ એક
સામાન્ય ખેડૂતમાંથી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનવાની સફર.
શરૂઆતમાં નાના પાયે પ્રાકૃતિક રસાયણમુક્ત ખેતીની શરૂઆત કરનાર વાસુદેવભાઈએ
કડવાસણમાં આવેલા તેમના ખેતરને પ્રાકૃતિક ખેતીનું જાણે મોડેલ ફાર્મ બનાવી દીધું. આજે
તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી તુવેર, ચણા, સોયાબીન અને શાકભાજીનો પાક લે છે. શુદ્ધ અને
ગુણવત્તાયુક્ત પેદાશથી મબલખ નફો મળવાના મૂળમાં જીવામૃત, પ્રાકૃતિક બિયારણ અને
મૂલ્યવર્ધન છે, તેમ વાસુદેવભાઈ જણાવે છે.
જીવામૃત અને પ્રાકૃતિક ખાતર જમીન માટે બન્યા સંજીવની
વાસુદેવભાઈએ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે પોતાના જ ઘરે રહેલી
ગાયના છાણ તથા ગૌમૂત્રથી તૈયાર કરેલું જીવામૃત તથા ઘનજીવામૃતનો ઉપયોગ કર્યો.
સાથોસાથ ગાંગડા હિંગ, ચણાનો લોટ, હળદર અને અજમો સહિત હાથવગી ગુણકારક
વસ્તુઓનો ઉપયોગ કર્યો. જીવામૃત બનાવવાની રીત સમજાવતા તેઓ કહે છે કે, ૧૮૦ લીટર
પાણીમાં ૧૦ કિલો જેટલું ગાયનું તાજું છાણ, ૧ કિલો ચણાનો લોટ, ૧ કિલો દેશી ગોળ અને
ગૌમૂત્રને મિશ્રિત કરી પાંચ દિવસ સુધી હલાવવાનું રહે છે. ત્યારબાદ ૧૫ દિવસમાં તેને પાણી
સાથે આપવાથી જમીનની ગુણવત્તા સુધરી છે. આ ઉપરાંત કિટનાશક દવા તરીકે ખાટી છાશનો
છંટકાવ કર્યો, જેનાથી પાકને ફાયદો થયો હોવાનું પણ વાસુદેવભાઈ જણાવી રહ્યા છે.
રાસાયણિક ખેતીમાં વર્ષોથી વપરાતા ખાતર અને દવાને કારણે જમીન નિર્જીવ બની હતી.
જમીનની ભેજધારણ ક્ષમતા પણ ઘટી હતી અને વધુ પાણીની જરૂરિયાત રહેતી હતી. જેની
સામે પ્રાકૃતિક ખેતીમાં જમીનની ભેજ ધારણ ક્ષમતામાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીની
શરૂઆત કર્યા બાદ ખેતરમાં જીવજંતુ અને પાકમિત્ર પશુ-પક્ષીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
અન્ય વિસ્તારની સરખામણીમાં તેઓનું પ્રમાણ પ્રાકૃતિક ખેતી થતા ખેતરમાં વધારે જોવા મળે
છે. જેના કારણે જૈવિક ચક્રનો વિકાસ પણ થયો છે. જે રાસાયણિક ખેતી આધારિત ખેતરમાં
જોવા મળતું નથી.
પોતાનું જ બિયારણ વાપરી, વાવણીમાં વિવિધતા થકી બન્યા આત્મનિર્ભર
વાસુદેવભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતીના ખર્ચની સામે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં ઘણો
ઘટાડો થયો છે. તેનું એક કારણ બિયારણ પણ છે. શરૂઆતમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરતા
ખેડૂતો પાસેથી બિયારણ લેતા હતા અને હવે દેશી બિયારણની ખેતી કરી તેમાંથી જ
ગુણવત્તાસભર ઉત્કૃષ્ટ બીજને પછીની સીઝનમાં બિયારણ તરીકે ઉપયોગ કરે છે. વર્ષ
દરમિયાન સિઝન પ્રમાણે બાજરી, જુવાર, રાગી સહિત ૮ ધાન્ય પાકો, તુવેર, મગ, ચણા
સહિતના કઠોળ પાકો અને વિવિધ શાકભાજીનું વાવેતર તેઓ કરે છે. તેઓ આંતરખેડ કરીને
વર્ષે સારું એવું ઉત્પાદન મેળવે છે. આમ, અન્ય ખેડૂતો પણ મોનોક્રોપિંગ છોડીને વાવેતરમાં
વિવિધતા લાવે તેવી અપીલ વાસુદેવભાઈ કરી રહ્યા છે.
ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી પોતાની બ્રાન્ડ બનાવી મેળવ્યો મબલખ નફો
વાસુદેવભાઈ પ્રાકૃતિક પદ્ધતિથી તુવેર, ચણા, સોયાબીન અને શાકભાજી સહિતની ખેતપેદાશોનું
મૂલ્યવર્ધન કરી રહ્યા છે. ઓર્ગેનિક તુવેરમાંથી દેશીપદ્ધતિ દ્વારા તેઓ તુવેરદાળ બનાવે છે.
લીલા ચણાને શેકીને દેશી ઘી અને ગોળ મિશ્રિત ચોકલેટને ટક્કર માટે તેવું જાદરિયું બનાવે છે.
આવા વિવિધ ઉત્પાદનોને પરિવારજનોની મદદથી પેકિંગ કરી અમદાવાદ શહેરમાં વેચાણ અર્થે
લઈ જાય છે. આમ, મૂલ્યવર્ધન થકી વાસુદેવભાઈ વર્ષે ૪થી ૫ લાખનો મબલખ નફો મેળવી
રહ્યા છે.
સરકારના વિવિધ વિભાગોની પ્રોત્સાહક યોજનાઓનો લાભ મેળવી બન્યા પ્રાકૃતિક કૃષિ
કન્વીનર સરકારની પ્રાકૃતિક ખેતી માટે તાલીમ, પ્રોત્સાહક યોજનાઓ અને માર્ગદર્શક કાર્યક્રમો થકી
પ્રેરણા મેળવી વાસુદેવભાઈ ડોડિયા પ્રાકૃતિક કૃષિ મંડળના કન્વીનર બની ગયા છે. ખેતીવાડી
વિભાગ દ્વારા ખેત ઓજારોની સબસીડી, પશુપાલન વિભાગ દ્વારા ગાયનો નિભાવખર્ચ અને
બાગાયત વિભાગ દ્વારા બિયારણની ખરીદીમાં સબસીડી અને સહાયનો લાભ મળતા તેમને ખૂબ
ફાયદો થયો છે. આમ, 'ગમતાનો કરીએ ગુલાલ'ની તર્જ પર વાસુદેવભાઈ પોતે મેળવેલા
પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા કટિબદ્ધ બન્યા છે.