- વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાં વર્ષ ફાળવવામાં આવ્યા
- દેત્રોજ તાલુકાના શિહોર ગામે શ્રી શિહોરી માતાજી સંસ્થા દ્વારા આયોજિત પાટોત્સવમાં હાર્દિક પટેલની ઉપસ્થિતિ
- આરસીસી રસ્તો તેમજ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું માતાજીના સન્મુખ પ્રવેશદ્વારનું લોકાર્પણ
AHMEDABAD: અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર ગામે શ્રી શિહોરી માતાજી સંસ્થા દ્વારા આયોજિત એક દિવસીય પાટોત્સવમાં ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટમાંથી બનાવેલ આરસીસી રસ્તો તેમજ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું માતાજીના સન્મુખ પ્રવેશદ્વારનું ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હાર્દિક પટેલે કહ્યું કે, ધારાસભ્ય તરીકે ગામડાંઓમાં તેમજ ધાર્મિક જગ્યાઓના વિકાસ માટે અગ્રેસર રહીને કામ કરી રહ્યો છું. એટલું જ નહીં, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારમાં વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ની વાર્ષિક ગ્રાન્ટમાંથી પ્રથમ ચરણમાં વિકાસ કામો માટે કુલ રૂ. ૨૮ લાખ ૫૦ હજાર ફાળવવામાં આવ્યા છે. જેમાં વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં બેસવા માટે રૂ. ૪ લાખ ૫૦ હજારના ખર્ચે ૧૫૦ નંગ બાકડા, વિરમગામ તાલુકાના ગામડાંઓમાં બેસવા માટે રૂ. ૪ લાખ ૫૦ હજારના ખર્ચે ૧૫૦ નંગ બાકડા, માંડલ તાલુકાનાં ગામડાઓમાં બેસવા માટે રૂ. ૩ લાખના ખર્ચે ૧૦૦ નંગ બાકડા, દેત્રોજ તાલુકાના ગામડાઓમાં બેસવા માટે રૂ. ૩ લાખના ખર્ચે ૧૦૦ નંગ બાકડાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિરમગામ તાલુકાના નીલકી ગામે મુખ્ય બજારમાં રૂ. ૪ લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ, માંડલ તાલુકાના સોલગામમાં મુખ્ય બજારમાં રૂ. ૪ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ અને દેત્રોજ તાલુકાના ઘેલડા ગામે પટેલ પરામાં રૂ. ૫.૫૦ લાખના ખર્ચે આરસીસી રસ્તાનું કામ પૂર્ણ કરાશે, એમ વિરગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું.