Gujarat Live News
અમદાવાદકૃષિ

પ્રાકૃતિક ખેતી કરીને પિતા-પુત્ર બન્યા પ્રેરણાસ્રોત, ગાય આધારિત ખેતીથી 6 એકર જમીનમાં લહેરાતી પ્રાકૃતિક ખેતપેદાશો, વાંચો વિશેષ અહેવાલ

  • પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો
  • પ્રાકૃતિક ખેતી કરીને પિતા-પુત્ર બન્યા પ્રેરણાસ્રોત
  • રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની બાદબાકી તેમજ સ્વાસ્થ્ય અને
  • આરોગ્યનો સરવાળો એટલે પ્રાકૃતિક ખેતી
  • ધોળકામાં તાલુકામાં પ્રાકૃતિક ખેતીનો પ્રેરણાસ્રોત બન્યા મનુભાઈ અને તેમના દીકરા દર્શનભાઈ
  • ગાય આધારિત ખાતરના પ્રયોગથી 6 એકર જમીનમાં લહેરાતી પ્રાકૃતિક ખેતપેદાશો
  • કુટુંબથી આગળ સમાજનું ભલું થાય તેવી ભાવના રાખતા ધોળકાના ખેડૂત મનુભાઈ અને દર્શનભાઈ

AHMEDABAD : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખેડૂત મનુભાઈ પરમાર અને તેમના પુત્ર  દર્શનભાઈ ખેતીમાં પ્રયોગ કરવા ઉત્સાહી છે. 6 એકરમાં ફેલાયેલા તેમના ખેતરમાં તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. ગૌમૂત્ર, છાણ, વગેરેનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખાતરના પ્રયોગથી પ્રાકૃતિક એટલે કે વિવિધ જાતની ઓર્ગેનિક પેદાશોનું ઉત્પાદન કરે છે.

નવાઈ લાગે એવી વાત એ છે કે, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો તેમનો મૂળ હેતુ તેમના કુટુંબના સ્વાસ્થ્યની દેખભાળ રાખવાનો હતો. નફો કે ખોટ અંગે વિચાર્યા વગર, સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે વર્ષ 2016થી દર્શનભાઈ અને તેમના પિતા મનુભાઈ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરે છે. કુટુંબ માટે કરેલી પ્રાકૃતિક ખેતીની પહેલ તેમને ખૂબ ફળી. કુટુંબથી આગળ જઈને પ્રાકૃતિક ખેતીને વ્યવસાય રીતે લેવાનો તેમણે વિચાર કર્યો.

પ્રાકૃતિક ખેતી કરવા પાછળનું મૂળ કારણ જણાવતા તેઓ કહે છે કે, સામાન્ય ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે, જે માણસના શરીર માટે ખૂબ હાનિકારક હોય છે. આ પ્રકારની હાનિકારક ખેતી કરીને કુટુંબ અને સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના કરવા જોઈએ અને પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણયમાં દર્શનભાઈ અને તેમના પિતા મનુભાઈ બંને મળીને ગાય આધારિત ખેતી કરે છે. આ પ્રકારની ખેતીમાં તેઓ જીવામૃત અને ઘનજીવામૃત ખાતરનો ઉપયોગ કરે છે.

આ પ્રકારનું પ્રાકૃતિક, રસાયણો વગરનું ખાતર બનાવવા માટે તેઓ છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ અને દેશી ગોળનો પ્રયોગ કરે છે. 3થી 4 દિવસમાં તૈયાર થતા આ ખાતરનો 100 કિલોનો જથ્થો એકસાથે તૈયાર કરી તેનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવામાં
આવે છે.

સરકાર દ્વારા Farmer Producer Organisation (FPO) ચલાવવામાં આવે છે. દર્શનભાઈ અને મનુભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા છે. FPO દ્વારા તેઓ તેમના ખેતરમાં થયેલ પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કરે છે. દર્શનભાઈના 6 એકરમાં ફેલાયેલા તેમના ખેતરમાં તેઓ 5 એકરમાં ઘઉં, બાજરી, જુવાર અને હળદર જેવા પાકનું ઉત્પાદન કરે છે; જ્યારે બાકીના 1 એકરમાં
બાગાયતી ખેતી કરી વિવિધ જાતના ફળો અને શાકભાજી જેવા કે, દાડમ, સીતાફળ, સરગવો, પપૈયા અન્ય સિઝનલ શાકભાજીનું ઉત્પાદન કરે છે.

પ્રાકૃતિક ખેતી કરતા આ બાપ દીકરાની જોડી લોકોને ગાય આધારિત ખેતી તરફ વળવાનું પ્રોત્સાહન આપે છે. આ પ્રકારની ખેતીમાં નફો તો છે જ, પરંતુ લોકોની વિશ્વસનીયતામાં પણ વધારો કરે છે. આરોગ્ય માટે સૌથી સારી પ્રાકૃતિક ખેતી કરતા દર્શનભાઈ અને મનુભાઈ આપણા માટે પ્રાકૃતિક પેદાશો તરફ વળવાનો પ્રેરણસ્રોત બન્યા છે.

Related posts

કચ્છ સરહદ વિસ્તારના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી સારી આવર કમાઈ રહ્યા છે

gln_admin

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ચૂંટણી સમયે આવા નિવેદન કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમજ કરવાનો પ્રયત્ન કર્યો છે – પાટીલ

gln_admin

 દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું અનોખું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

gln_admin

Leave a Comment