જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ અમદાવાદના ગામોની લીધી મુલાકાત
બાવળાના નળકાંઠે આવેલાં બે ગામો શિયાળ અને દેવળતલની મુલાકાત લીધી
જિલ્લા વિકાસ અધિકારીએ બંને ગામોના સરપંચઓ, પંચાયતના સભ્યો, ગ્રામજનો સાથે બેઠક કરી તેમના પ્રશ્નો જાણ્યા
પ્રધાનમંત્રી જન મન યોજના તથા મુખ્યમંત્રી આદિમ જૂથ ઉત્કર્ષ યોજના અંતર્ગત ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે એ આજે બાવળા તાલુકાનાં બે ગામો
શિયાળ અને દેવળતલની મુલાકાત કરી હતી. જ્યાં ગામના પઢાર સમુદાયના લાભાર્થીઓને
મળી સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત તેમને મળતા લાભો બાબતે ચર્ચા કરી તેમનો
પ્રતિભાવ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બંને ગામોમાં પ્રધાનમંત્રી જન મન યોજના તથા મુખ્યમંત્રી
આદિમ જૂથ ઉત્કર્ષ યોજનાની અમલવારી ચાલી રહી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના
393 જેટલા લાભાર્થીઓ છે.
જિલ્લા વિકાસ અધિકારીએ યોજના અંતર્ગત મકાનના નિર્માણની કાર્યપ્રગતિની
માહિતી મેળવી હતી. આ ઉપરાંત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઝડપથી લાભ મળે તે
સુનિશ્ચિત કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ નળકાંઠાનાં આ બંને ગામોના સરપંચઓ, પંચાયતના
સભ્યો અને આગેવાનો સાથે બેઠક કરી તેમના પ્રશ્નો જાણ્યા હતા. તથા તે બાબતે જરૂરી
કાર્યવાહી કરવા સૂચનો આપ્યાં હતાં. સાથોસાથ તેઓએ શિયાળ ગામના પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીની જાણકારી મેળવી હતી.
અને ત્યાં ઉપસ્થિત નાગરિકોનો પ્રતિભાવ મેળવ્યો હતો. આ મુલાકાત વેળાએ બાવળાના તાલુકા વિકાસ અધિકારી રોનક પટેલ, તાલુકાના અન્ય અધિકારીઓ તેમજ આગેવાનો તથા નાગરિકો હાજર રહ્યા હતા.