- પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો
- પિતાને ગળાનું કેન્સર થયું, ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા સંકલ્પબદ્ધ બન્યા મનહરસિંહ રાણા
- ભાલ પંથકમાં સૌપ્રથમ વાર ધાણાનું ઉત્પાદન લેવામાં સફળતા મેળવી અશક્યને પણ શક્ય બનાવ્યું
- અમદાવાદના ધંધુકા તાલુકાના ફેદરા ગામના ખેડૂત મનહરસિંહ રાણાએ પ્રાકૃતિક
- ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્રોત
- પ્રાકૃતિક ખેતીમાં સિદ્ધિ બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પુરસ્કાર મેળવી ચૂક્યા છે મનહરસિંહ રાણા
- 30 વિઘા જમીનમાં વાર્ષિક સરેરાશ 350 મણ ભાલિયા ઘઉં અને 150 ચણાનું ઉત્પાદન કરી મબલખ કમાણી મેળવી
આજે આપણે વાત કરીશું એક એવા ખેડૂતની કે જેમની પ્રાકૃતિક ખેતીની ગાથા વાંચી
અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થઈ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળી શકે. વાત છે, અમદાવાદના
ધંધુકા તાલુકાના ફેદરા ગામના ખેડૂત મનહરસિંહ રાણાની કે જેઓ ફકત 11 ચોપડી ભણેલા છે
પણ પ્રાકૃતિક ખેતીમાં મેળવી છે અનેરી સિદ્ધિ.
ખેડૂત મનહરસિંહ રાણાના પિતાને વર્ષ 2011માં ગળાનું કેન્સર થયું હતું. પિતાની પથારીવશ હાલત જોઈ દીકરા મનહરસિંહ રાણાએ રસાયણમુક્ત અને ઝેરમુક્ત ખેતીનો સંકલ્પ કર્યો અને વળ્યા પ્રાકૃતિક ખેતીના માર્ગે… આમ તો, ફેદરા વિસ્તાર ભાલ પંથકમાં આવે છે એટલે આ પંથકમાં પ્રાકૃતિક ખેતી કરવી થોડી અઘરી છે. પરંતુ ખેડૂત મનહરસિંહ રાણા પોતાના મક્કમ સંકલ્પ થકી પ્રાકૃતિક ખેતી દ્વારા બમણું ઉત્પાદન અને બમણી આવક મેળવવામાં સફળ રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લઈ ચૂકેલા આ ખેડૂતે આત્મા સંસ્થા દ્વારા દેશના ચાર જેટલા રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી ખાતે તાલીમમાં ભાગ લઈ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી જાણકાર બન્યા. ત્યારબાદ ખેડૂત મનહરસિંહ રાણાએ પોતાની 30 વિઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ભાલિયા ઘઉંનું વાવેતર કર્યું. આશ્ચર્યની
વાત એ છે કે, દર વર્ષે ઉત્પાદન બમણું થતું ગયું અને વાર્ષિક સરેરાશ 350 જેટલા મણ ઘઉંનું ઉત્પાદન કરી બજાર કિંમત કરતાં પણ વધુ ભાવ મેળવવામાં સફળ રહ્યા. આ ઉપરાંત પ્રાકૃતિક રીતે ચણાનું પણ વાવેતર કરી ઉત્પાદન અને આવક બમણી મેળવી.
પ્રાકૃતિક ખેતીમાં માસ્ટર બનેલા ખેડૂત મનહરસિંહ રાણાએ સમગ્ર ભાલ પંથકમાં સૌપ્રથમ વાર ધાણાનું ઉત્પાદન કરવાની શરૂઆત કરીને અશક્યને પણ શક્ય કરી સફળતા મેળવી. હાલ, વિસ્તારમાં તેમની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ જોઈ અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ઢબે ખેતીની શરૂઆત કરવા ઉત્સુક છે.
ખેડૂત મનહરસિંહ રાણાએ પ્રાકૃતિક ખેતીમાં મેળવેલ સિદ્ધિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પુરસ્કાર વડે બિરદાવી હતી. આ ઉપરાંત અનેક મહાનુભાવો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે પણ ખેડૂત મનહરસિંહ રાણાને સન્માનિત કરાયા છે. વધુમાં આત્મા દ્વારા તાલુકાના બેસ્ટ ખેડૂતનો એવોર્ડ ઉપરાંત અનેક સામાજિક સંસ્થા દ્વારા પણ એવોર્ડ મેળવી ચૂક્યા છે.
હાલ, ખેડૂત મનહરસિંહ રાણા ભાલ પંથકના વિસ્તારોમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક
ખેતીની તાલીમ આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, રાજ્ય સરકાર અંતર્ગત આત્મા સંસ્થા દ્વારા અપાતી તાલીમ લઈને હું પ્રાકૃતિક ખેતીમાં માસ્ટર બન્યો તે બદલ આત્મા સંસ્થા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણે પણ એક જવાબદાર ખેડૂત તરીકે યોગદાન આપવું જોઈએ. સાથે સૌ ખેડૂતમિત્રોને અપીલ કરી હતી કે, જળ, જમીન અને જીવ બચાવવા સૌએ પ્રાકૃતિક ખેતીના માર્ગે અવશ્ય વળવું જોઈએ.