AHMEDABAD: અમદાવાદમાં સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ધ રીયલ હીરોઝએવોર્ડ સમારોહમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે
ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝને એવોર્ડ એનાયત
કરવામાં આવ્યાં હતા.
આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સેવા
પ્રદાન કરનાર રીયલ હીરોઝને અભિનંદન પાઠવતા કહ્યું કે, કર્મ આપણી સંસ્કૃતિ છે. આપણે
સૌ કર્મ પર વધારે માનીએ છીએ. કર્મ જ્યારે આપણે સારા કર્મ કરીએ છીએ, ત્યારે તેનું ફળ
અવશ્ય સારું જ મળે છે. જ્યારે આપણને કર્મનું ફળ મળી જાય છે ત્યાંથી જ એક નવા કર્મની
શરૂઆત પણ થઈ જાય છે એટલે સૌ કોઈએ સારા કર્મો સતત કરતા રહેવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો પણ છે કે, જેમની પાસે કંઈ જ
નથી એ વ્યક્તિ પણ આજે નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરે છે અને સારું કર્મ કરે છે અને
આજ આપણી પણ સંસ્કૃતિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સેવા કાર્યોની વાત કરતા મુખ્યમંત્રી એ કહ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક-એક પળ અને એક – એક મિનિટ પ્રજાજનોની સેવા માટે
તત્પર છે. નરેન્દ્રભાઈ હંમેશાથી કહેતા આવ્યા છે કે , હું ભારત દેશ માટે ૨૪ કલાક એટલે કે
એક-એક પળ દેશના વિકાસ માટે કામ કરવામાં તત્પર છું. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આ સેવાને
કારણે જ આજે દેશના તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે.
આ એવોર્ડ કાર્યક્રમ અંગે સવા ફાઉન્ડેશનના સ્થાપક અમી મોદીએ કહ્યું કે, પ્રથમ
વખત આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે
એ તમામ લોકો સમાજના રીયલ હીરો છે અને તેમને તેમના જ કાર્યો માટે સન્માનિત કરવામાં
આવ્યા છે. તેમની કામગીરીનું વળતર એ એવોર્ડ નથી પરંતુ આ તમામ લોકો પડદા પાછળ
રહીને લોકોની સેવા માટે અવિરતપણે કામ કરી રહ્યાં છે તેમને બિરદાવવા માટે આ કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫ ફાઉન્ડેશનને ૫૦,૦૦૦નો ચેક આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર સમાજ માટે કંઈ કરી છૂટનાર અને નિઃસ્વાર્થ ભાવે સેવા
કરનારા લોકો માટે "ધ રીયલ હીરોઝ" એવોર્ડ કાર્યક્રમ બોડકદેવ ખાતે યોજાયો હતો. સવા
ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી
સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ અવસરે સામાજિક આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં આ
સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.