Gujarat Live News
ગુજરાત

ગુજરાતમાં 9,28,000 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી, આ વખતે 10 લાખનો લક્ષ્યાંક – રાજ્યપાલ

અમદાવાદ ખાતે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક –
ખેતી બેંકની ૭૨મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય
દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષ
શંકરભાઈ ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતોને
પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી
ઉત્પાદન ઓછું થાય છે એ તદ્દન ખોટી માન્યતા છે. ઉલટાનું પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન વધે છે
અને  વધુ સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન મળે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના બેફામ ઉપયોગ
સામે ચેતવણી આપતાં કહ્યું કે, જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં
આપણી જમીન પથ્થર જેવી થઈ જશે, પાણી પીવાલાયક નહીં રહે, બિનઆરોગ્યપ્રદ ખોરાકને
કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા જીવલેણ રોગો વધશે, ધરતી વેરાન થઈ જશે.
આપણી આવનારી પેઢી માટે આપણે બરબાદીનો માર્ગ કંડારી રહ્યા છીએ.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અનેક ફાયદાઓ વિશે વાત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી બે વર્ષમાં જમીનની ફળદ્રુપતા પાછી આવશે. જમીનની ભેજ
સંરક્ષણ ક્ષમતા વધશે અને વધુને વધુ વરસાદી પાણી ભૂગર્ભજળ સ્વરૂપે જમીનમાં ઉતરશે.
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવવાથી જમીનમાં મિત્ર કીટક( જમીનમાં વસતા
સૂક્ષ્મજીવો) વધશે. તેઓ વાતાવરણમાંથી શુદ્ધ નાઇટ્રોજન મેળવીને પાકને પૂરો પાડશે. જેના
લીધે જમીનની ગુણવત્તા સુધરશે તેમજ શુદ્ધ ખોરાકના લીધે સમાજમાં ગંભીર રોગો પણ ઓછા
થશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ વચ્ચેનો તફાવત
સમજાવતાં કહ્યું કે, ઘણાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી (ઑર્ગેનિક ફાર્મિંગ) સમજે છે.
જૈવિક ખેતી વિદેશી અળસિયા પર આધારિત હોય છે. તેમાં ખૂબ મોટી માત્રામાં છાણ અને
વિદેશથી આયાત કરેલા અળસિયા જોઈએ છે. આ પદ્ધતિ વધુ ખર્ચાળ અને પર્યાવરણને
નુકસાનકર્તા છે, તેમજ ખેત ઉત્પાદનમાં પણ વધારો નથી થતો. જ્યારે પ્રાકૃતિક ખેતી ગાય
આધારિત, સરળતાથી અપનાવી શકાય તેવી, સસ્તી અને પર્યાવરણને અનેક ફાયદા
કરાવનારી હોય છે.

દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી
ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર થઈ જાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ
સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટક, ગાય અને દેશી અળસિયા આધારિત ખેતી છે. દેશી ગાયના ગૌમૂત્ર-
ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને
મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે. ભૂમિની ગુણવત્તા સુધરે છે. ખેડૂતોને બહારથી

કોઈ જ વસ્તુઓ લાવીને પાકમાં નાખવાની જરૂર નથી, એટલે ખર્ચ પણ ઓછો આવે છે અને
ઉત્પાદન વધે છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિશન મોડ
પર પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અને તેના પ્રસાર માટે કામગીરી કરવા અનુરોધ કર્યો છે.
વડાપ્રધાનશ્રીના સતત માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે
માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. રાજ્યના જિલ્લાઓમાં પાંચ ગામોના ક્લસ્ટર બનાવીને
પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સખીમંડળની
બહેનોને પણ પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપીને આ કાર્યમાં સામેલ કરવામાં આવી છે.
ATMA(આત્મા)ના કર્મચારીઓ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની
તાલીમ આપવામાં આવી રહી છે.

આજે ગુજરાતમાં ૯,૨૮,૦૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. આ વર્ષે નવા
૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. વધુને વધુ
ખેડૂતો ઝડપથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ અત્યારના સમયની માંગ છે એમ તેમણે
ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું વિગતવાર પ્રશિક્ષણ પૂરું પાડીને સૌ ઉપસ્થિત
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જ કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ પ્રાકૃતિક
ખેતી કરી રહેલા ખેડૂતો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

ખેતી બેંકની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ
પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં આજે
ગુજરાતમાં કૃષિક્ષેત્રે નવીન પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. રાજ્યપાલશ્રીના ચોક્કસ દિશામાં
સતત પ્રયત્નો અને માર્ગદર્શનને કારણે આજે રાજ્યના ખેડૂતો ઝેરયુક્ત રાસાયણિક ખેતી
છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો આપણે આપણી આવનારી પેઢીઓને સુરક્ષિત
જીવન આપવું હશે તો ખૂબ જ ઝડપથી સિમેન્ટ-કોંક્રિટના જંગલોમાંથી બહાર આવીને ખરા
અર્થમાં જંગલો વધારવા પડશે તેમજ પ્રકૃતિના સાનિધ્યમાં જવું પડશે. જો આપણે આજે
આપણી ધરતીને નહીં બચાવીએ તો આવનારા સમયમાં જમીનમાં પોષકદ્રવ્યો રહેશે નહીં અને
અનાજનું ઉત્પાદન ઘટી જશે. આથી પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીન અને તેની સાથે સાથે
આપણે હવા અને પાણીને પણ શુદ્ધ બનાવવાનું કાર્ય સત્વરે હાથ ધરવું પડશે.

 

Related posts

અમદાવાદમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગઓફ્ફ કરાવશે

gln_admin

પૂજ્ય મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને બે પુસ્તકોનું અનાવરણ કર્યું

gln_admin

ગુજરાત કરવેરા ભરવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે – CM

gln_admin

Leave a Comment