- ગાય આધારીત પ્રાકૃતિક ખેતી એક પહેલ
- પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત આવે છે, જેથી નફાનું ધોરણ વધે છે: ૬૨ વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલ
- પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉપાર્જનની સાથે ઝેર મુક્ત અન્ન આપે છે આ ખેડૂત
- લોકોની તંદુરસ્તી અને પર્યાવરણ જાળવવામાં યોગદાન આપતા પ્રાંતિજના મેમદપુરના વડીલ ખેડૂત
- બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિથી ૬ વર્ષથી પ્રાકૃતિક કૃષિમાં મેળવી નિપૂણતા
- ઘઉં, ડાંગર,મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાક જામફળ ઉગાડી મૂલ્યવર્ધન કરી નફો કર્યો
SABARKANTHA : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂત બાબુભાઈ
પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી
કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તેઓ રાજ્યપાલ શ્રી આચાર્ય
દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે
ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલશ્રીના
પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું.
બાબુભાઈ જણાવે છે કે, ૬ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ
ઘઉં, ડાંગર,મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાક જામફળ, ટેટી સહિતના પાકોનું
રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે. તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત, છત્રીપર્ની અર્ક
આપે છે. આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્રપાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે. કુદરતી
જંતુનાશક તરીકે તેઓ છાશનો ઉપયોગ કરે છે. શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલ માં કરેલ છે જેનું
રોજનું ઉત્પાદન ૫ થી ૬ મણ થાય છે. જેનું વેચાણ તેઓ એફ. પી. ઓ. તેમજ પથમેડા ના
માધ્યમથી કરી સારો ભાવ મેળવે છે. .
બાબુભાઈ નફા વિશે જણાવતાં કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો
આવે છે, જે સૌથી મોટું જમા પાસું છે. મુખ્યપાક તરીકે હું ધઉં તેમજ ડાંગરનું વાવેતર કરું છું. જેમાં
ગત વર્ષે પોણા વીઘામાં ઘઉનું ૪૨ મણથી વધુનો ઉતારો આવ્યો છે. હાલમાં તેઓ અઢી વિઘા
જમીનમાં જામફળ, પોણા વિઘા જમીનમાં દૂધીની ખેતી કરી છે. તેમજ ડાંગર માટે ધરું નું વાવેતર
કર્યું છે.
આમ, પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ઉપાર્જનની સાથોસાથ લોકોની તંદુરસ્તી જાળવાય છે
સાથે રાસાયણિક ખાતર દ્વારા જમીન અને પર્યાવરણને થતું નુકશાન ઓછું કરી જમીનનો ઓર્ગેનિક
કાર્બન વધારી જગતના તાત તરીકેની પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક પૂરી કરી શકાય છે.