- પ્રાકૃતિક કૃષિ : વિષમુકત ખેતી – રોગ મુકત ભારત
- કચ્છના મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને કમલમ(ડ્રેગન) ફ્રુટનું
- ઉચ્ચ ગુણવત્તાયુકત ઉત્પાદન મેળવ્યું
- ગૌ પાલન સાથે પરવળ,લીંબુ સહિત અન્ય શાકભાજી વાવીને મુંદરા તાલુકાના
- મંગરા ગામના ગીતાબેન જેઠવા પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યનું જતન કરી રહ્યા છે.
BHUJ: કચ્છમાં વધતા જતાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વચ્ચે મહિલા કિસાનો પણ આ અભિયાનમાં જોડાઇ રહી છે. અન્ય ક્ષેત્રોની જેમ ખેતીના ક્ષેત્રમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની પહેલમાં મોખરે છે. જે અન્ય કિસાનો માટે નવો રાહ ચીંધી રહી છે. પતિના અવસાન બાદ પાંચ બાળકોની જવાબદારીના વહન સાથે ખેતી કરતા મુંદરા તાલુકાના મંગરા ગામના ગીતાબેન જેઠવા આજે પ્રાકૃતિક ખેતીમાં અનેક પ્રયોગ કરીને સફળતા મેળવી છે. હાલ તેઓ કમલમ(ડ્રેગન) ફળનું રાસાયણિક દવા કે ખાતર મુકત ઉત્પાદન કરીને પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહ્યા છે.
ગીતાબેન જેઠવા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી અંગે જ્ઞાન ન હતું ત્યારે પરંપરાગત રોકડીયા પાકોનું વાવેતર કરતા હતા. જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતા. વર્ષ ૨૦૧૨થી મારા પતિ સ્વ. ભરતભાઇ જેઠવા દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમયાંતરે યોજાતી તાલીમ શિબરોમાં ભાગ લઇને તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતભાઇઓ પાસેથી માર્ગદર્શન મેળવીને હું પ્રાકૃતિક ખેતી કરી રહી છું. તેઓ ઉમેરે છે હાલ ડ્રેગન ફ્રુટ, લીંબુ, પરવળ સહિતના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. પ્રાકૃતિક કૃષિમાં ગુણવત્તાયુકત પેદાશના કારણે સારા ભાવ મળી રહ્યા છે. જેનાથી અમારી સમૃધ્ધિમાં વધારો થયો છે.
જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડા, ડાળીઓ વગેરેનું આચ્છાદન કરવાથી જમીનની ભેજધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઇ જાય છે.
ગીતાબેન જણાવે છે કે, અગાઉ રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જતો હતો. નિંદણ વધારે ઊગી નીકળે છે, જેથી મજુરી ખર્ચ વધુ થાય છે, જમીનનું બંધારણ બગડે ઉપરાતં પાકની ગુણવત્તા પણ સારી હોતી નથી. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે અને પિયતની વધુ જરૂર પડે છે.