GUJARAT: આપણે ત્યાં કહેવાય છે – સંઘે શક્તિ કલૌ યુગે. અર્થાત્, આ યુગમાં સંગઠન જ સૌથી
મોટી શક્તિ છે. સંગઠનની રચનાથી માત્ર સભ્યોને જ નહિ, પરંતુ સંગઠન સાથે જોડાતા તમામ
હિતધારકોને પણ ફાયદો થાય છે. દેશમાં સહકારથી સંગઠનની વર્ષો જૂની પરંપરા જોવા મળે
છે. જે ભારતમાં આધ્યાત્મિક, સામાજિક, ઔધોગિક, કૃષિ, નાણાં જેવી ક્રાંતિ માટે મુખ્ય વાહક
બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ અનેકતા વચ્ચે એકતાનું સર્જન કરતી સંગઠન શક્તિ જ
ખેડૂત કલ્યાણનું મોટું સાધન છે. અને તે માટે દેશના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ અનેક
ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના થઈ છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવા
સંગઠનોની મદદથી ગુણવત્તાયુક્ત કૃષિપેદાશો અને પોષણક્ષમ ભાવ મેળવી શકે છે.
કોઈપણ વિસ્તારના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ના
નિર્માણ માટે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) સંપૂર્ણ સાથ અને સહકાર
આપે છે. દરેક જિલ્લામાં આવેલી આત્મા પ્રોજેક્ટ કચેરી ખાતેથી ખેતીલક્ષી માર્ગદર્શન પણ
આપતી હોય છે. આત્મા, અમદાવાદ દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ઉત્પાદક
સંગઠનોની સંખ્યા વધારવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ
જિલ્લાના ધોળકા તાલુકામાં એક જ્યારે સાણંદ ખાતે બે પ્રાકૃતિક ઢબે ખેતી કરનાર ખેડૂત
ઉત્પાદક સંગઠન કાર્યરત છે.
ત્યારે સૌથી પહેલા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું? તેની રચનાની પ્રક્રિયા અને
ખેડૂતોને થતા લાભો વિશે જાણીએ.
ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ની આવશ્યકતા
અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ તો આર્થિક પ્રવૃત્તિઓમાં ખેતી એ સૌથી મોટું અસંગઠિત જૂથ છે.
અર્થતંત્રના વિકાસમાં કૃષિનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમ છતાં તેનું સીધું પ્રતિબિંબ
ખેડૂતોના આર્થિક વિકાસ પર ન પડતું હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ખેડૂતો અસંગઠિત છે.
આ ઉપરાંત વારસાઈને કારણે જમીનના ટુકડાઓ, વધતો જતો ખેતીખર્ચ, બજારમાં ભાવની
અનિશ્ચિતતા અને આધુનિક તકનીકોની સ્વીકૃતિમાં વિલંબ સહિતનાં પરિબળોને કારણે નાના
અને સીમાંત ખેડૂતો તેમની ખેત પેદાશોના સારા ભાવો મેળવી શકતા નથી. જેથી ખેડૂતોને
સાચા અર્થમાં તેમના ખેત ઉત્પાદનનું સારું મૂલ્ય મળવાની સાથોસાથ તંદુરસ્ત બજાર, ધિરાણ,
સપ્લાય ચેઇન અને અન્ય ફાયદાઓ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત કલ્યાણની
અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. આ ઉપરાંત ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)ને ખેડૂત
કલ્યાણના એક અસરકારક માધ્યમ તરીકે મૂલવી ખેડૂત ઉત્પાદક સંગઠનો મોટી સંખ્યામાં
રચાય તે માટે પ્રોત્સાહન આપી રહી છે.
ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)થી ખેડૂતોને થનાર લાભોઃ
ખેતપ્રવૃત્તિમાં મોટાપાયે વધારોઃ નાના પાયે ખેતી કરતા ખેડૂતો/ખેત ઉત્પાદકોને એકસાથે
લાવવાથી સમગ્ર સ્કેલમાં વધારો થાય છે. ખેડૂત ઉત્પાદક સંગઠનના તમામ ખેડૂતો કોઈપણ
એક મોસમનો લાભ લેવા માંગતા હોય તેવા પાકની વાવણી કરી જથ્થાબંધ ઉત્પાદન મેળવી
શકે છે. જેના આધારે મોટા આર્થિક વ્યવહારો થાય છે.
ભાવતાલ કરવાની ક્ષમતાઃ વ્યાપક ઉત્પાદનના બળ પર ખેડૂત ઉત્પાદક સંગઠન જરૂરી ખાતર
કે બિયારણ, સિંચાઈ, પરિવહન કે વખાર સહિતનાં સંસાધનો મેળવવામાં સ્પર્ધાત્મક ભાવોનો
લાભ મેળવી શકે છે. આ ઉપરાંત તેઓ પુરવઠા કે સેવાની જથ્થાબંધ ખરીદી કરતા હોવાથી
તેઓ ભાવતાલ પણ કરાવી શકે છે. ખેતપેદાશોના એકત્રીકરણના આધારે જથ્થો અને
ગુણવત્તામાં સાતત્ય જાળવી શકાય છે.
સ્પર્ધાત્મક ભાવોનો લાભઃ ખેડૂત ઉત્પાદક સંગઠન ખરીદદારોની જરૂરિયાત મુજબ પર્યાપ્ત માત્રા
અને ગુણવત્તામાં ઉત્પાદન કરે છે. જેથી એકજૂથ થયેલા ખેડૂતો મોટા મૂલ્યવાળા બજારોમાં
પ્રવેશી ઉત્પાદનના સ્પર્ધાત્મક ભાવોનો લાભ લઈ શકે છે. અથવા તો મોટા ઉત્પાદકો સાથે
સીધા કરાર હેઠળ તેમને પુરવઠો પૂરો પાડી શકે છે.
વિશ્વસનીયતાઃ વ્યક્તિગત ઉત્પાદક કરતા સંગઠિત ઉત્પાદકોના કાયદેસર રજિસ્ટર્ડ જૂથો વધુ
વિશ્વસનીયતા ધરાવતા હોવાથી તેમના ઉત્પાદનના સારા ભાવો મળી રહે છે. આ ઉપરાંત
ગ્રાહક માટે એક જ સંપર્ક નિયત રહેતો હોવાથી વ્યવહારમાં સરળતા અને વિશ્વસનીયતા રહે છે.
બીજી તરફ વિશ્વસનીયતાને કારણ ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ને ધિરાણ મેળવવા માટે પણ
સરળતા રહે છે.
સહકારની ભાવનાઃ સમૂહમાં કામ કરવાથી મૂડીની, ઉત્પાદન ખર્ચ અને મહેનતની વહેંચણી
થાય છે. જેનાથી ખેડૂતોમાં સહકારની ભાવના વિકસે છે અને સરવાળે ઉભરતાં જોખમો અને
બજારમાં રહેલા પડકારોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ વધે છે. જેની સકારાત્મક અસર
ઉત્પાદન નીતિ અને સિદ્ધાંતો પર પડે છે.
ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)ને નાબાર્ડ તરફથી મળતો સહયોગ
પ્રોત્સાહન અને સહાયતાઃ
તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે અનુદાનની સહાયતા જેવી કે ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)
ને સુગમતા રહે તે માટે તાલીમ વર્ગો, ફિલ્ડ મુલાકાતો, કૃષિ વિશ્વવિદ્યાલયો સાથે ગઢબંધન,
વિશેષજ્ઞ સાથે બેઠકો અને સંવાદ, સાહસિકતા નિર્માણ સંસ્થાઓ દ્વારા કૌશલ વિકાસ,
વ્યાવસાયિક આયોજનની તાલીમ, નવી તકનીકોના પ્રસાર અને પ્રચાર માટે નાબાર્ડ સીધી
સહાય કરે છે.
ઋણ ઉપલબ્ધ કરાવવામાં ઉપયોગ :
ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)ને NABKISAN FINANCE LTD., જેવી પોતાની સહાયક
સંસ્થાઓ, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, વાણિજ્ય બેંકો, એન.બી.એફ.સી., અને અન્ય ધિરાણ કરતી
સંસ્થાઓ મારફતે ઋણ ઉપલબ્ધ કરાવવામાં નાબાર્ડ સહાય કરે છે. લીધેલી લોનનો યોગ્ય
ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ને જરૂરી ક્ષમતા
નિર્માણની સહાયતા પણ આપવામાં આવે છે.
ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ની રચના કેવી રીતે થાય?
ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના કરવાનું સૌથી પહેલું પગલું છે – સમુદાયની ઓળખ. જેમાં
ખેડૂત ક્લબો, સ્વસહાય જૂથો, કોમોડિટી ગ્રુપ, બીજગ્રામ સંગઠન, વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યસરકાર સહિતના મુખ્ય હિતધારકોની ભલામણથી સમૂહની નિશ્ચિતતા થવી જોઈએ અને
તેમાં 8થી 10 હજાર ખેડૂતોની સંખ્યાવાળા 1 અથવા 2 બ્લોક હોવા જોઈએ.
ત્યારબાદ બીજું પગલું છે – સર્વે કરાવવો. જેમાં એજન્સીના માધ્યમથી ખેડૂતોની વર્તમાન
સ્થિતિ, ઉત્પાદન, કૃષિવિસ્તાર, પાકના પ્રકારો, બજાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આનુષાંગિક સુવિધાઓનું
વિશ્લેષણ કરવામાં આવે છે.
ખેડૂતોને જાગૃત કરવા તે ખૂબ મહત્ત્વનું પગલું છે. જેના માટે ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના
કરવા તથા તેનું મહત્ત્વ અને સંભવિત ફાયદાઓ જણાવવા માટે ગ્રામ્ય કક્ષાએ બેઠકો કરી,
પત્રિકા અને ચોપાનિયાઓનું વિતરણ કરવું. આ ઉપરાંત ખેડૂતોના સામાજિક-આર્થિક સંબંધો
અને પરિસ્થિતિઓ, પરંપરાઓ અને રિવાજો વગેરેનું વિશ્લેષણ કરી કેટલાક અગ્રણી ખેડૂતોને
ઓળખવામાં આવે છે.
ત્યારબાદનું પગલું આવે છે – કિસાન ઉત્પાદક સંગઠનનું સંયોજન અને રચના, જેમાં રસ
ધરાવતા અનૌપચારિક સમૂહોને ખેડૂત ઉત્પાદક સંગઠન વિશેની સમજણ, તેમાં રહેલ વ્યવસાય
જોખમોની ધારણા અને ખેડૂત ઉત્પાદક સંગઠનના રૂપમાં એકરૂપ થવા માટે તૈયારીની ખાતરી
કરવી. ત્યારબાદ ઓછામાં ઓછા ૧૦૦ ખેડૂતોની પ્રારંભિક શેર સભ્યતાવાળું ખેડૂત ઉત્પાદક
સંગઠન તૈયાર થઈ શકે છે. જેના માટે
અધિનિયમ / ઉપ-નિયમ પ્રાવધાન મુજબ નિર્દેશક મંડળની રચના.
કાયદાકીય દસ્તાવેજો-તૈયાર કરવા સંસ્થાના અંતઃનિયમ અને બહિરનિયમ.
સંબંધિત અધિનિયમ અંતર્ગત રજિસ્ટ્રેશન/ સંસ્થાપન.
વ્યવાયની જરૂરિયાત મુજબ વ્યાવસાયિક કુશળતા ધરાવનાર સી.ઈ.ઓ/ અન્ય મુખ્ય
સ્ટાફની નિમણૂક;
ખેડૂત ઉત્પાદક સંગઠનનાં સંસ્થાપન/ રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું
પહેલી સામાન્ય સભાનું આયોજન અને ઔપચારિક સ્થાપના.
આમ, પ્રાકૃતિક ખેતી બાબતે દિવસે ને દિવસે વધતી જાગૃતતા વચ્ચે ખેડૂતો ખેડૂત ઉત્પાદક
સંગઠન(FPO)ની રચનાની મદદથી ખેત પેદાશોનો સારો ભાવ મેળવી શકે છે. જેના માધ્યમથી
ખેડૂત માત્ર પોતાના જ નહીં પરંતુ સમગ્ર પરિવાર, ગામ, જિલ્લો, રાજ્ય અને દેશના વિકાસમાં
યોગદાન આપી શકે છે.