મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન શુક્રવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે.
• મુખ્યમંત્રી યોગ દિવસની પૂર્વસંધ્યાએ ગુરૂવાર ૨૦મી જૂને સાંજે બનાસકાંઠા પહોંચશે અને વડગામડા ગામમાં ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરવાના છે.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રી રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીતનો ઉપક્રમ પ્રયોજ્યો હતો.
• મુખ્યમંત્રી આવી રાત્રી ગ્રામસભાઓમાં ગ્રામજનો વચ્ચે બેસીને તેમની સાથે સહજ વાતચીત દ્વારા ગ્રામીણ ક્ષેત્રની સુવિધાઓ, તથા રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય સેવાઓ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરે છે અને ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળે છે.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જ ગ્રામસભાની હવેની કડીની પુનઃશરૂઆત બનાસકાંઠાના વડગામડાથી ગુરુવારે રાત્રે કરવાના છે.
• નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રીશ્રી આજે ગુરૂવારે વડગામડામાં રાત્રી રોકાણ કરીને વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે.