ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપક્રમે ગોટીલા ગાર્ડન અમદાવાદ ખાતે યોગાભ્યાસમાં સંમિલિત થયા હતા. આ કાર્યક્રમમાં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી પણ જોડાયા હતા. શાહે ગોટીલા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણ અભિયાનને વ્યાપક અને ઘનિષ્ઠ બનાવવા આહવાન પણ કર્યું હતું.
અમિતભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં પ્રથમ વખત યુ.એન. ની જનરલ એસેમ્બ્લીમાં પ્રસ્તાવ રાખ્યો હતો કે ૨૧ જૂન યોગ દિવસના રૂપમાં મનાવવામાં આવે. ન કેવળ પ્રસ્તાવ રાખ્યો પણ આપણા ચિર પુરાતન વિજ્ઞાનની ભેટનો પરિચય પણ સમગ્ર વિશ્વને કરાવ્યો. ત્યારબાદ ૧૧૭ જેટલા દેશોએ ૨૧ જૂનના દિવસને ” આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાની સહમતી આપી. આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ યોગ દિવસના રૂપમાં સંપૂર્ણ વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનનો ધ્વજ ફરકાવવા નું કાર્ય કર્યું છે. ભારતે વિશ્વ અને માનવ સમાજને ઘણું આપ્યું છે પણ સૌથી મોટો ઉપહાર ભારતે યોગના રૂપમાં આપ્યો છે તેવો મત શાહે વ્યક્ત કર્યો હતો.
શાહે ઉમેર્યું હતું કે મન શરીર અને આત્મા ત્રણેય વચ્ચે એકાત્મતા લાવવા માટે યોગથી મોટું કોઈ વિજ્ઞાન નથી. મનની અંદર જે અગાધ શક્તિઓ પડી છે તે શક્તિઓના મહાસાગરમાં ખોજ કરવાનું ઉત્તમ માધ્યમ યોગ જ છે. મનની શક્તિઓને આત્મા સાથે જોડીને વિશ્વ કલ્યાણના માર્ગે લઈ જવાનું યોગથી મોટું કોઈ માધ્યમ ન હોઈ શકે. સમગ્ર વિશ્વના કલ્યાણના મંત્રને જમીન પર ઉતારવા નિરંતર યોગ અભ્યાસ જરૂરી છે અને ભારત તેને ચરિતાર્થ કરી રહ્યું છે. વ્યક્તિથી સમષ્ટિ સુધી સમગ્ર બ્રહ્માંડના કલ્યાણની કલ્પના જ પૃથ્વીને બચાવી શકે છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં દુનિયાના નિષ્ણાતો પણ સ્વીકાર કરે છે કે આપણા ઋષિઓએ આપેલું જ્ઞાન જ આપણને આગળ વધારી શકે છે.