ગુજરાત સાયન્સ સિટી ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે 21 જૂને સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ની થીમ પર 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ ગુજરાત યોગ બોર્ડ અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, સાયન્સ સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રસ ધરાવતા લોકો જોડાયા હતા.
ગુજરાત યોગ બોર્ડના સભ્યો તેમજ યોગ નિષ્ણાતોએ સહભાગીઓને વિવિધ યોગાસનો અને પ્રાણાયમ કરાવ્યા હતા સાથે સાથે યોગથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી વદરે દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે. અત્યારના સમયમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે. તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલાં વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી જુદી જુદી થીમ પર દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટીના એમ્ફી થિયેટરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા દરરોજ સવારે નિયમિત યોગા ક્લાસ ચાલી રહ્યા છે. જેનો લ્હાવો ઘણા લોકો લઈ રહ્યા છે.