Gujarat Live News
જીવનશૈલી

“મોક્ષ પામીને કરવું છે શું?આવોને વારંવાર!”

  • “મોક્ષ પામીને કરવું છે શું?આવોને વારંવાર!”
  • શિખર પરથી કથા ઊડાન ભરીને આગામી ૬ જૂલાઇથી આર્કિટીકનાં હિમાચ્છાદિત પ્રદેશમાં થવા જઇ રહી છે.
  • તમામ ધર્મનો સાર એવા જૈનસૂત્રોમાં કહ્યા છે દસ ધર્મો અને દસ અધર્મો.
  • “અંતિમ માણસ સુધી પહોંચવાનું કામ શાસને પણ કરવું પડશે અને શાસનસમ્રાટોએ પણ આ કરવું પડશે”
  • “આપણી શરણાગતિ પણ ક્યારેક વ્યભિચારિણી થાય છે-એ પણ અધર્મ છે.”
  • “દસમો ભાગ હનુમાનજીની સાક્ષીએ કાઢશે એના ઘરમાં હંમેશા શાંતિ જ રહેશે.”

બીજ પંક્તિઓ:

પરમ રમ્ય ગિરિબરુ કૈલાસૂ;

સદા જહાં સિવ ઉમા નિવાસૂ.

-બાલકાંડ દોહો-૧૦૫

ચિત્રકૂટ ગિરિ કરહુ નિવાસૂ;

તંહ તુમ્હાર સબ ભાંતિ સુપાસૂ

-અયોધ્યાકાંડ દોહો-૧૩૨

ધાર્મિક ન્યુઝ : નિર્વાણ તપસ્યા સાધના અને અરિહંતની ભૂમિને પ્રણામ કરતાં આજે પૂર્ણાહુતિ ઉપર ઉપસંહારક વાત કરતી વખતે બાપુએ હૃદયના ઉદગાર રૂપે ચાર વાત આરંભે કહી:

“આ પવિત્ર ભૂમિમાં હજી પણ કોઈ વિશેષ રૂપથી ચેતના વરસી રહી છે.”

“થોડાક અપવાદોને બાદ કરતા આ ઝારખંડની જનતા-હું ભિક્ષાનાં બ્હાને કે કોઈક રીતે મળ્યો છું ત્યારે લાગે છે કે-જેવા છે એવા જ દેખાય છે,કોઈ દંભ નથી.”

“અહીંના પ્રશાસન,સ્વયંસેવકોએ પણ પ્રેમયજ્ઞ માટે પ્રેમથી સહયોગ કર્યો છે.”

“આચાર્ય-ભગવંતગણ,શ્વેતાંબર,દિગંબર,તેરાપંથી તમામ ધારાઓનાં આશીર્વાદ મળ્યા છે,જૈન સંસ્થાઓએ પણ આદર આપ્યો છે.”

બાપુ એ ઉમેર્યું કે આ ભૂમિને પર્યટનના રૂપમાં વિકાસનો પ્રયત્ન ચાલી રહ્યો છે ત્યારે એટલું જ કહેવું છે કે વિકાસ,વિશ્રામને ખંડિત ન કરે એનું ધ્યાન રાખજો.તપ અને સાધનાની ભૂમિમાં દેવત્વ છે એ એમ જ બની રહે એ પણ ધ્યાન રાખજો.

મહાવીર અને મહાપુરુષો દ્વારા જે દસ વાત કરી છે,જેને બાપુએ દસ ધર્મ અને એનાથી વિપરિત દસ અધર્મ કહ્યા.

આમ તો આ દસ વાતો,બધા જ ધર્મનો સાર છે અને તવારીખનાં હિસાબમાં સનાતનમાં ખૂબ પ્રથમ થયા છે.જોકે અહીં કોણ મોટું,કોણ નાનું એમાં નથી પડવું પણ આ ધારા છે.જે રીતે ગંગાની ધારા વિષ્ણુનાં પદ કમળમાંથી નીકળતી કાળાંતરે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ મુકામ ઉપર આવતી રહી, એમ સનાતની-વૈદિક-શાશ્વતી પરંપરા પણ વહી અને દેશ,કાળ અને પાત્રતા મુજબ વહેતા-વહેતા જ્યાં જ્યાં પહોંચી છે એ જ સૂત્રો અલગ-અલગ રીતે આવ્યા છે.

જેમ યાત્રા ઉપરથી પાછા આવીએ ત્યારે યાત્રાનો મુખિયા કંઈક ભાથું આપે એ મુજબ જૈનધર્મમાં કહેવાયેલા દસ ધર્મ અને એનાથી વિપરીત દસ અધર્મ વિશે વાત કરી ને જણાવ્યું કે એક પણ સૂત્ર નવું નથી.છતાં પણ નિત નૂતન છે.અન્ય ગ્રંથોમાં જે બધા બોલ્યા છે.

એમાંનું એક છે-હિંસા:હિંસા એક તો આપણે જાણીએ એ હિંસા.ધર્મના નામ પર સ્પર્ધા થાય એ પણ હિંસા છે.

બાપુએ અહીં ખાસ યાદ કર્યું કે અહીં દાનનો પ્રવાહ વરસી રહ્યો છે.અનેક મંદિરો અને અનેક વસ્તુઓ, પ્રકલ્પો બની રહ્યા છે,ત્યારે હું ખૂબ રાજી થાઉં કે ખૂબ કરો,પણ એમાંથી દશાંશ(દસમો ભાગ)કાઢીને આ ગરીબોને મકાન બનાવી આપજો.તમારો સો કરોડનો પ્રોજેક્ટ હોય તો દસ કરોડ ગરીબ પરિવાર માટે,એના મકાન,લાઈટ,પાણી,આરોગ્ય માટે કરો. બાપુએ કહ્યું કે શાસને પણ કરવું પડશે અને શાસન સમ્રાટોએ પણ આ કરવું પડશે.શાસનસમ્રાટ ખુદ ફકીરીમાં રહેતા હોય છે,પરંતુ આવા મહાપુરુષોના એક ઇશારા ઉપર અનેક ઘરોમાં દીપ પ્રગટે છે. ગોસ્વામીજી કહે છે:

પરહિત ધરમ સરીસ નહી ભાઈ;

પર હિંસા સમ નહિ અધમાઇ.

બીજું છે-જૂઠ:ખોટું બોલવું એ.ત્રીજું છે-ચોરી: બીજાના હકનું છીનવી લેવું,કોઈ નેટવર્ક,યોજના અને છળકપટ કરવું એ.ચોથું-વ્યભિચાર છે:બધા ધર્મોએ વ્યભિચાર વિશે કહ્યું છે.આપણી શરણાગતિ પણ ક્યારેક વ્યભિચારિણી થાય છે એ પણ અધર્મ છે. એટલે જ ભક્તિમાર્ગમાં ભક્તિ અવ્યભિચારિણી હોવી જોઈએ એવું કહેવાયું છે.પાંચમો ક્રોધ છે:ક્રોધ દ્વેત વગર પેદા થતો નથી.બાપુએ અહીં ઉમેર્યું કે આમ તો ક્રોધ ન કરો.પણ છ સમયે ક્રોધ ન જ કરો એવા વારંવાર કહું છું:વહેલી સવારે જાગો ત્યારે, પૂજા પાઠ કરતી વખતે,ઘરથી બહાર જતી વખતે,ફરી પાછા બહારથી ઘરમાં આવતી વખતે,ભોજન કરતા સમયે અને રાત્રે સુતી વખતે ક્રોધ ન કરો.

છઠ્ઠું-પરિગ્રહ કીધુ છે:વધારે સંગ્રહ ન કરીએ એવી વૃત્તિ.

બાપુએ કહ્યું કે હું તો કહું છું ત્રણ પેઢી સુધીનું સંગ્રહ કરો પણ વધારે સંગ્રહ માનસિક સંતુલન બગાડે છે. વિચારનો,વસ્તુનો,વસુનો,ધનનો તો ઠીક;શિષ્યોનો પણ વધુ સંગ્રહ નહીં.વધારે કર્મથી તરંગો પેદા થાય છે એ પણ બાપુએ ઉમેર્યું.સાતમુ સૂત્ર છે-માન: અહંકાર એ પણ અધર્મ છે.આઠમું સૂત્ર માયા છે: વારંવાર કંઈક છુપાવે.ગીતામાં માયા માટે ગુણમયી શબ્દ પણ લખાયો છે.નવમો લોભ-લોભનો ફંદો જેના ગળામાં નથી પડતો એ બીજો રામ છે એવું પણ લખાયું છે. પ્રત્યેક લાભ ઉપર લોભ નવો ડ્રેસ પહેરીને આવે છે.દસમું-તત્વઅશ્રદ્ધા એટલે કે મૂળ તત્વમાં અશ્રદ્ધા રાખવી.મૂળ તત્વ ત્રણ છે:દેવ,શાસ્ત્ર અને ગુરુ.આ ત્રણમાં અશ્રદ્ધા એ પણ અધર્મ છે.

આનાથી વિપરીત વાત એ દસ ધર્મ છે.એટલે કે અહિંસા,સત્ય,અચૌર્ય,બ્રહ્મચર્ય અને સંયમ, અપરિગ્રહ,માન,ક્ષમા,નમ્રતા વગેરે.

બાપુએ ભાર દઈને કહ્યું કે “દસમો ભાગ હનુમાનજીની સાક્ષીએ કાઢશે એના ઘરમાં હંમેશા શાંતિ જ રહેશે.”

કથાપ્રવાહમાં બાકીની કથાને સમેટતા સેતુબંધ રામેશ્વરની સ્થાપના બાદ પરમાત્મા સાગર પાર જાય છે.ત્યાં લંકા ત્રિકૂટ પર વસી છે.એમાં એક સુબેલ શિખર-વિશ્રામનું શિખર છે,બીજું રાવણનું શિખર વિલાસનું છે અને શંકરને ધ્યાનમાં લઇને ત્રીજું વિશ્વાસનું શિખર છે.રાવણને નિર્વાણ આપી પુષ્પક આરૂઢ થઇ રામનું અયોધ્યા આગમન બાદ રાજ્યાભિષેક અને રાજતિલકની કથાને સંક્ષિપ્તમાં કહીને ભુશુંડિ ચરિત્રમાં સુમેરુ શિખર જ્યાં ચાર સ્વર્ણમયી શિખરો પર ચાર વૃક્ષો-પીપર(પીપળો), પાકરી,આંબો અને વડ-નીચે અનુક્રમે ધ્યાન,જપ યજ્ઞ,માનસ પૂજા અને કથાગાન કરતા જેની આધ્યાત્મિક પરિભાષા કરતા બાપુએ કહ્યું કે:પીપળો વિષ્ણુનું વૃક્ષ છે,એ ધર્મનું પ્રતીક છે.તેમજ સતત ચંચળ છે એટલે મનનું પ્રતીક છે.એ જ રીતે જપ એ અર્થનું પ્રતીક જે બુધ્ધિ સાથે સંકળાયેલું છે.આંબો કામનું પ્રતીક,જે ચિત્તવૃત્તિ સાથે અને વડ મોક્ષનું પ્રતીક એવા અર્થો સાથે ભશુંડિજી રામકથાનું જ ધ્યાન,કથાનો જ જપયજ્ઞ,કથાની જ માનસી પૂજા,કથાનું જ ગાન કરતા હોય છે એ અર્થો જણાવ્યા.

કથાનાં અંતે લાઇટ મૂડમાં પણ બાપુએ બધી જ પ્રગટ-અપ્રગટ ચેતનાઓને સંબોધીને કહ્યું કે:”મોક્ષ પામીને કરવું છે શું?આવોને વારંવાર!”

બાપુએ તમામ મનોરથી પરિવાર,આયોજકો અને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કરી સાધુવાદ આપ્યો.આ કથાનું સુ-ફળ,સુકૃત ભગવાન પાર્શ્વનાથ અને તમામ તિર્થંકરોનાં ચરણોમાં અર્પણ કરી કથાને વિરામ આપ્યો.

 

Box

આગામી કથા ઊડાન ભરીને વિદેશ જઇ રહી છે ત્યારે…

બાપુની હવે પછીની-૯૩૯મી રામકથા નોર્વે ખાતે થવા જઇ રહી છે.

આર્કિટીકનાં પ્રવેશદ્વાર ટ્રોમ્સોનાં ક્લેરીએનની હોટલ દ-એજ,કૈગટા-૬ ખાતે આ કથા તા-૬ જૂલાઇથી શરુ થશે.

અદ્રશ્ય આર્કિટીક સર્કલ,નોર્વેનાં બે એવા ભાગ પાડે છે કે જેનાં કારણે મધ્ય રાત્રિનો સૂર્ય(મીડનાઇટ સન)અને આર્કિટીક શિયાળાનો એક સાથે અનુભવ થાય.

ભારત અને નોર્વે વચ્ચે ૩:૩૦ કલાકનો સમય ડીફરન્સ હોવાનાં કારણે,પહેલા દિવસ-શનિવાર તા-૬ જૂલાઇએ નોર્વેનાં સ્થાનિક સમય સાંજે ૪ વાગ્યે કથાનો આરંભ થશે,એ વખતે ભારતમાં સાંજનાં ૭:૩૦ વાગ્યા હોય.

આ કથાનું જીવંત પ્રસારણ ત્રણ રીતે નિહાળી શકાશે

વૈદિક ચેનલ પર શનિવારે ભારતીય સમય મુજબ સાંજનાં ૭:૩૦થી કથાનાં અંત સુધી,તેમજ એ પછીનાં દિવસોમાં બપોરે ૧:૦૦થી સાંજનાં ૪:૩૦ સુધી(ત્યારે નોર્વેમાં સવારનાં ૯:૩૦થી ૧:૦૦ વાગ્યાનો સમય હોય).

ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ પર પણ આ જ રીતે લાઇવ ઉપરનાં સમય મુજબ નિહાળી શકાશે.

જ્યારે આસ્થા ટીવીનાં માધ્યમથી ડી-લાઇવ પ્રસારણ દ્વારા તા-૭ જૂલાઇથી ૧૫ જૂલાઇ રોજ સવારે ૧૦થી ૧:૦૦ વચ્ચે કથાનેં માણી શકાશે.

ફૂલછાબ સતત નિયમિત કથાયાત્રાનું સાર દોહન કરતું રહ્યું છે,ફૂલછાબમાં ટાઇમ ડીફરન્સનાં કારણે એક દિવસ મોડું-એટલે કે ૭ જૂલાઇનાં બદલે ૮

જૂલાઇ સોમવારથી નિયમિત કથાસાર પ્રગટ થતો રહેશે.

Related posts

શારદાબેન હોસ્પિટલના તબીબોએ પ્રથમવાર સફળ રીતે મગજનું જટિલ ઓપરેશન પાર પાડ્યું

gln_admin

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે તૃતીય એક્ષચેન્જ મેળો

gln_admin

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ: 3.5 વર્ષમાં 500 કરતાં વધું અંગોનું દાન

gln_admin

Leave a Comment