રાજપીપલા : પ્રાકૃતિક આભૂષણોથી ભરપુર નર્મદા જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ-જમીન અને ખોરાકને બચાવવો છે, આ વાતની પ્રતીતિ જિલ્લામાં આ ખરીફ મોસમમાં થયેલા પ્રાકૃતિક ખેતીના વાવેતરના પ્રમાણ જોતાં થાય છે.
આ ખરીફ સિઝનમાં નર્મદા જિલ્લામાં ૧૭,૫૧૨ ખેડૂતોએ અંદાજિત ૧૨,૭૦૮ એકર વિસ્તારમાં પ્રાકૃતિક પાકોનું વાવેતર કર્યું છે. જેમાં તુવેર, જુવાર, ડાંગર, મકાઈ, હલકા ધાન્યો, શાકભાજી પાકો, કેળાં વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક કૃષિ તરફ વળેલાં ખેડૂતોની તાલુકાવાર વાત કરવામાં આવે તો દેડિયાપાડા તાલુકાના ૩૮૧૦ ખેડૂતો, ગરૂડેશ્વર તાલુકાના ૩૭૪૨ ખેડૂતો, નાંદોદ તાલુકામાં ૩૮૨૭, સાગબારા તાલુકામાં ૩૧૩૮ અને તિલકવાડા તાલુકાના ૨૯૯૫ ખેડૂતોનો સમાવેશ થાય છે. જેઓએ પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું છે.
આકાંક્ષી નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવામાં ક્લસ્ટર બેઝ તાલીમ ખૂબજ મહત્વની સાબિત થઈ છે. જિલ્લાની આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા ૮૦ જેટલા પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. જેઓ છેલ્લા કેટલાંક સમયથી ગ્રામીણ વિસ્તારોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રહ્યાં છે. આ તાલીમ દરમિયાન ગાય આધારિત ખેતી માટેના વિવિધ આયામો, જરૂરી પેસ્ટીસાઈડ્સ અને ખાતર બનાવવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃતમાં જાણકારી ખેડૂતોને આપી રહ્યાં છે.
આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દિપકભાઈ શિનોરાએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિથી નર્મદા જિલ્લાના ખેડૂતો મબલખ ઉત્પાદન મેળવતા થયાં છે. અનેક ખેડૂતો હલકા ધાન્ય પાકો, હળદર, મરચું, કઠોળ અને ફળોનું વાવેતર કરે છે. તેમના દ્વારા ઉત્પાદિત થયેલા પાકોનો વ્યાપ સુરત સહિતના મોટાં શહેરો સુધી પ્રસર્યો છે. જેના થકી જિલ્લાના ખેડૂતો સારી એવી આવક મેળવી પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે.
આમ, નર્મદા જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રસાયણિક ખાતરો- દવાઓના ઉપયોગથી દૂર થઈ પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.