નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો
જીએસટી (GST) નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવા માટે મહત્ત્વનું સાબિત થશે
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદ ખાતેથી આધાર બેઈઝ્ડ
આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવીને
રાજ્યના જીએસટી (GST) સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ
આઇડેન્ટિટી વેરીફિકેશનની શરૂઆત કરાવી હતી.
રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણાં મંત્રીશ્રીએ ફેસ
ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર અવિરત વિકાસ પામી રહ્યું છે. ગુજરાત
આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત થયું છે. દેશભરમાં ગુજરાત મોડલની નોંધ
લેવાઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વાત કરતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 'વન નેશન, વન ટેકસ,
વન માર્કેટ'ના સૂત્રને સાકાર કરતાં જીએસટી કાયદાના અમલીકરણમાં અને તેને
વધુને વધુ લોકોપયોગી બનાવવા માટે આપણે હંમેશાં આગળ રહ્યા છીએ. રાજ્યના
વેપારીઓએ પણ ખૂબ જ સહજપણે આ નવા જીએસટી કાયદાઓને અપનાવ્યા છે,
જેના લીધે રાજ્યમાં જીએસટી રિટર્ન અને જીએસટી રજિસ્ટ્રેશન બંનેમાં નોંધપાત્ર
વધારો જોવા મળ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન સેવા વિશે વાત
કરતાં તેમણે જણાવ્યું કે, આ સેવાની શરૂઆત થતાં નવા નોંધણી નંબર મેળવવા
ઇચ્છતા અરજદારોને જીએસટી સેવા કેન્દ્રો ખાતે રૂબરૂ બોલાવીને તેઓના આધાર
ઓથેન્ટિકેશન તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓની ખરાઈ કરીને
નોંધણી નંબર આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જેથી જીએસટી (GST)
નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવામાં
સફળતા મળશે. અરજદારોને હવે ઝડપથી અને સરળતાથી જીએસટી (GST) નોંધણી
નંબર મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આધાર બેઈઝ્ડ બાયોમેટ્રિક
ઓથેન્ટિકેશનને પાઇલોટ બેઇઝ પર રોલ આઉટ કરવા માટે ગુજરાત રાજ્યની
પસંદગી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્ય કર વિભાગ દ્વારા માત્ર 75
દિવસના ટૂંકા ગાળામાં રાજ્યમાં 12 સ્થળોએ સ્ટેટ ઓફ ધ આર્ટ જીએસટી સેવા
કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. જીએસટી સેવા કેન્દ્રો ખાતે અરજદાર પોતાની
અનુકૂળતા અનુસાર ટાઈમ સ્લોટ બુક કરાવીને મુલાકાત લઈ શકે છે. જીએસટી સેવા
કેન્દ્રો ખાતે અરજદારની જરૂરી સંપૂર્ણ કામગીરી 20 મિનિટથી પણ ઓછા
સમયગાળામાં પૂર્ણ કરવામાં આવે છે.
જીએસટીની અમલવારીથી બોગસ નોંધણી નંબરની અરજીઓ પર અસરકારક
અંકુશ મેળવવામાં સફળતા મળી છે. રાજ્યમાં નવેમ્બર 2023થી અત્યાર સુધીમાં
નવી રજિસ્ટ્રેશન અરજીઓમાં 25%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. 2017માં જીએસટીની
અમલવારીથી જુલાઈ 2024 સુધીમાં રાજ્યમાં ટેક્સપેયર બેઝમાં 135 ટકાનો
માતબર વધારો થયો છે. જ્યારે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યની જીએસટી આવક
બમણી થઈ છે.