- નાની નાગલપરના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઇ ટાંક
- પીંક જામફળની પ્રાકૃતિક ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે
- ગૌ પાલન સાથે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી
- હિરેનભાઇએ લીંબુ, ફુલાવર, કોબીજ, કારેલા વગેરે પાકનું વાવેતર કરીને આવકમાં વધારો કર્યો
ભુજ, અંજાર તાલુકાના નાની નાગલપરના પ્રગિતશીલ ખેડૂત હિરેનભાઇ ટાંક પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ૬ એકરમાં પીંક જામફળની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ગૌ પાલન સાથે પ્રાકૃતિક ખેતીમાં તેઓ લીંબુ, ફુલાવર, કોબીજ, કારેલા વગેરે પાકનું વાવેતર કરીને અન્ય કિસાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.
હિરેનભાઇ ટાંક જણાવે છે કે, હું વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિ કરું છું. આત્મા યોજના સાથે જોડાઇને વિવિધ તાલીમ મેળવી છે. હું આચ્છાદન અને મિક્સ પાકોનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યો છું. સારા ઉત્પાદન માટે હું જીવામૃત, ગોબર ગેસ સ્લરી, સરગવાના પાન વગેરેનો ઉપયોગ ખાતર તથા દવા તરીકે કરૂ છું.
તેઓ ઉમેરે છે કે, અગાઉ રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે એક એકર દિઠ મને ખર્ચ રૂ.૨૦ લાખ હતો અને ચોખ્ખી આવક રૂ.૧૭ લાખ જેવી હતી. જયારે પ્રાકૃતિક ખેતી અપનાવતા એક એકર દિઠ ખર્ચ ૮ લાખ તથા ચોખ્ખી આવક વધીને ૨૦ લાખથી વધુની થઇ ગઇ છે. આમ, પાક પાછળ ખર્ચ ઘટી જતાં નફામાં વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીના કારણે દવા, ખાતર તથા નિંદણ કાઢવાનો ખર્ચ બચી ગયો છે. આવક વધવા સાથે જમીનનું બંધારણ તથા પાકની ગુણવતા તથા પાણીની ગુણવત્તા સુધરી છે. હાલ હું પ્રાકૃતિક ખેતીમાં તાઇવાન જાતના પીંક જામફળ સાથે લીંબુ, ફુલાવર, કોબીજ, કારેલા વગેરે શાકભાજીનું સફળ ઉત્પાદન કરી રહ્યો છે. અને અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપું છું.