સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડવા માટે
ટપાલ વિભાગ દ્વારા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ‘ડાક ચૌપાલનું આયોજન કરવામાં
આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અમદાવાદ ઝોનના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે
સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન બચત પત્રના લાભાર્થીઓને પાસબુકનું વિતરણ
કરતી વખતે સશક્ત મહિલા-સમૃદ્ધ સમાજ માટે આહવાન કર્યું હતું.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના વ્યક્તિને
ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયના ખ્યાલ સાથે જોડવા માટે જુલાઈથી
સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં 70 સ્થળોએ ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવશે.
'ગવર્નમેન્ટ સર્વિસીસ એટ યોર ડોરસ્ટેપ હેઠળ, લોકોને નાણાકીય સેવાઓ, વીમો, પેમેન્ટ બેંક
સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક કેન્દ્રિત સેવાઓ વિશે
જાગૃતિ સાથે જોડવામાં આવશે. સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓ અને તેના
લાભો આઈપીપીબી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો
આજે મોબાઈલ બેંક તરીકે કામ કરી રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદના જનરલ મેનેજર અશોક પરીખે નાણાકીય
સમાવેશમાં પોસ્ટ ઓફિસની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બેંકિંગ સેક્ટરમાં
સાયબર ફ્રોડના જોખમો વિશે પણ ચેતવણી આપી હતી.
સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ અમદાવાદ વિકાસ પાલવેએ ટપાલ વિભાગની વિવિધ
યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને IPPBના ચીફ મેનેજર કપિલ મંત્રીએ પેમેન્ટ
બેંકની સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે 3105 બચત ખાતા, 225 સુકન્યા સમૃદ્ધિ ખાતા, 81 મહિલા સન્માન બચત કાર્ડ,
વિવિધ લાભાર્થીઓના 102 IPPB ખાતા ખોલવામાં આવ્યા હતા, જ્યારે 385 લોકોને અકસ્માત
સુરક્ષા વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડના કાઉન્સિલરઓ પણ
ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડાક ચૌપાલની મુલાકાત લીધી અને લોકોને ટપાલ વિભાગની આ
પહેલમાં વધુ સામેલ થવા પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.