- પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો
- ધંધુકા તાલુકાના ઝાંઝરકા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની બેઠક યોજાઈ
- ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરાયા
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે પ્રાકૃતિક કૃષિ અંગેની
બેઠક યોજાઇ હતી જેમાં ગ્રામ્ય પંથકના ખેડૂતો જોડાયા હતા.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા આયોજિત આ બેઠકમાં ખેડૂતોને પ્રાકૃતિક
કૃષિના સિદ્ધાંતો અને ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ
ઉપરાંત ગાય આધારિત ખેતી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં
પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવી દરેક ખેડૂતોને
પ્રાકૃતિક ખેતી તરફ વાળવા કહ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અંગેની આ બેઠકમાં 70 જેટલા ખેડૂતો જોડાયા હતા. જેઓને
સરકારની કૃષિલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું
હતું. આ ઉપરાંત બાગાયતી યોજનાઓ વિશે પણ વાકેફ કર્યા હતા. વધુમાં બેઠકમાં
સૌ ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપે તેની અપીલ કરી
હતી.
આ બેઠકમાં તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારી, આત્મા સંસ્થાના કર્મીઓ,
પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો હાજર રહ્યા હતા.