રાજયના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ દિલ્હી ખાતે આયોજિત ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટી અંતગર્ત તૈયાર કરાયેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બુથની મુલાકાત લીધી
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીમાં ભાગ લીધો હતો. ૨૧ જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
આ વર્લ્ડ હેરિટેજ કમિટી કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિવિધ હેરિટેજને લગતા બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. દિલ્હીના પ્રવાસ દરિમયાન મંત્રી મૂળુભાઈ બેરાએ ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટી અંતગર્ત તૈયાર કરવામાં આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ બુથની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રીએ ગુજરાતના લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સના કામની પ્રગતિની પ્રશંસા પણ કરી હતી અને આ નિર્માણ થકી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આયોજિત ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના લોથલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, લોથલમાં રોડનું પ્લાનિંગ, સ્ટ્રીટ અને ડ્રેનેજની વ્યવસ્થા પ્રાચીન સભ્યતા દર્શાવે છે. લોથલ વિશ્વનું પ્રાચીન ડ્રાઈ ડૉક છે. મિનિસ્ટ્રી ઓફ પોટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા લોથલમાં
નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.