- પ્રાકૃતિક ખેતી : અમદાવાદ જિલ્લો
- નિવૃત્ત શિક્ષક દયાળજીભાઈ અને તેમના પુત્ર મેહુલભાઇની પ્રાકૃતિક પદ્ધતિ
- હળદર,લીંબુ, જામફળ, તુવેર, વરિયાળી, ચણા અને વિવિધ બાગાયતી પાકોની કરી ખેતી
- પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવીને પાંચ વર્ષમાં મેળવ્યો રૂ. ૨૦ લાખનો ચોખ્ખો નફો
- બાગાયત વિભાગ દ્વારા મૂલ્ય વર્ધન માટેની સહાય અને પ્રાકૃતિક કૃષિમાં માર્ગદર્શન થકી મેળવી સફળતા
- પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો ફાયદો જમીન સુધારણા છે :- દયાળજીભાઈ
અમદાવાદના માંડલ તાલુકાના નાના ઉભાડા ગામના રહેવાસી અને નિવૃત્ત શિક્ષક એવાદયાળજીભાઈ પટેલ અને તેમના પુત્ર મેહુલભાઈએ પ્રાકૃતિક પદ્ધતિથી હળદર અને વરિયાળીના વાવેતર અને મૂલ્યવર્ધન થકી નવીન પહેલ આદરી છે.
પ્રાકૃતિક ખેતી થકી હળદર સહિત અન્ય પાકો થકી પિતા-પુત્રની જોડી વાર્ષિક રૂપિયા
૬-૭ લાખનો ચોખ્ખો નફો કમાય છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે પ્રાકૃતિક ખેતી થકી રૂ. ૨૦થી
૨૫ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે.
આ પિતા-પુત્રની બેલડી પોતાની ૮-૯ વીઘા જમીનમાં છેલ્લાં ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી
કરી રહ્યા છે. આ ખેતીએ તેમની માટે આર્થિક સમૃદ્ધિનાં દ્વારા ખોલી આપ્યાં છે. એટલું જ નહીં,
આજે તેમની આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી સાબિત થઇ રહી છે. આ વર્ષે તેમણે
દોઢ વીધા જમીનમાં હળદરના વાવેતર થકી ૧૪૦૦ કિલો પાઉડર તૈયાર કરી રૂ. ૫ લાખની
ચોખ્ખી કમાણી કરી છે.
રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવનાર દયાળજીભાઈ પટેલ કહે છે,
પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો ફાયદો જમીન સુધારણા છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત થતી
હળદર ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોય છે. વિવિધ આયામો અને અર્ક અમે જાતે જ બનાવીને ખેતી
કરીએ છીએ. હળદરના મૂલ્યવર્ધન સહિત પાણીની સુવિધા ઊભી કરવા માટે અમને બાગાયત
વિભાગની સહાય મળી છે. આ ઉપરાંત, વિવિધ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે અમને
બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન મળી રહે છે.
દયાળજીભાઈ અને મેહુલભાઈએ પ્રથમ વર્ષે પ્રાકૃતિક ખેતીની શરૂઆત તુવેર થકી કરી
હતી. શરૂઆતમાં જમીન સુધારણા સાથે ઓછા ઉત્પાદન બાદ સમય સાથે તેમનું ઉત્પાદન અને
પાકની ગુણવત્તા બંનેમાં અનેકગણો સુધારો જોવા મળ્યો. જેના લીધે શરૂઆતના વર્ષોમાં ઓછી
આવક બાદ તેમની આવક સારા એવા પ્રમાણમાં વધવા લાગી.
હળદર સિવાય વરિયાળી, ચણા, મેથીના ઉત્પાદન થકી પણ તેમને સારી આવક થઇ છે.
બાગાયતમાં જામફળ, અંજીર, આંબા, નારંગી, સિતાફળ, પપૈયા, સફરજન, લીંબુ જેવા પાકો
પણ તેઓ લઈ રહ્યા છે. દયાળજીભાઈની સારી આવક અને ઉત્પાદન જોઇને આસપાસના
ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
દયાળજીભાઈ પાસે એક દેશી ગાય છે. તેઓ ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન
જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગનાશક દેશી
ગાયની છાશનો ઉપયોગ કરે છે. તેઓ ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે
ઉપયોગ કરે છે, જેથી જમીન પોચી બને છે અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધે છે. એટલું
જ નહીં, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. આમ, પાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું
મૂલ્યવર્ધન કરીને તેઓ જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે.