- તેરા તુજકો અર્પણ
- અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને 20 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરાયો
- સોના-ચાંદીના દાગીના, વાહનો, મોબાઈલ ફોન સહિતની ચોરાયેલી ચીજવસ્તુઓ ફરી મળતા નાગરિકો ખુશ-ખુશાલ
- જનસંવાદ અંતર્ગત અમદાવાદ શહેરના ઝોન-1ના નાયબ પોલીસ કમિશ્નરએ અરજદારોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે આશ્વસ્ત કર્યા
અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયે ચોરાયેલી
વસ્તુઓ નાગરિકોને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું સમયાંતરે
આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના ઝોન-1 વિસ્તારના સોલા પોલીસ
સ્ટેશન હેઠળના અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તેમનો મુદ્દામાલ
પરત કરવામાં આવ્યો હતો. જેમાં સોના-ચાંદીના દાગીના, વાહનો, મોબાઈલ ફોન
સહિતની રૂપિયા 20,54,600ની ચીજવસ્તુઓ તેમના મૂળ માલિકોને પરત કરવામાં
આવી હતી.
શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર અજય ચૌધરી તેમજ સેક્ટર 1ના અધિક
પોલીસ કમિશ્નર નિરજ બડગુજરના માર્ગદર્શનમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન
વિસ્તારમાં આવતા સોમપુરા કેળવણી કેન્દ્ર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું, જેમાં જનસંવાદ અંતર્ગત ઝોન-1ના નાયબ પોલીસ કમિશ્નર હિમાંશુ
વર્માએ અરજદારોને તેમની વસ્તુઓ પરત સોંપી હતી. આ ઉપરાંત તેમણે
અરજદારોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે તેમને આશ્વસ્ત કર્યા હતા. તો કેટલાક
કિસ્સાઓમાં સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું.
આ અવસરે સ્થાનિક કાઉન્સિલર્સ, આગેવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ
અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સલામતી માટે પોલીસ વિભાગના આ
સક્રિય પ્રયાસને તેમણે બિરદાવ્યો હતો.