ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), સંચાર મંત્રાલય, ભારત સરકાર અને નેશનલ ફોરેન્સિક
સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સુરક્ષા વધારવા માટે સહયોગ
કરવા સંમત થયા છે. સરકારની બંને અગ્રણી સંસ્થાઓએ તા.25મી જુલાઈ, 2024ના રોજ
સમજૂતી કરાર કર્યા છે. સમજૂતી કરાર દરમિયાન ભારત સરકારના સંચાર મંત્રાલયના
ડીઓટીના નિયામક શ્રી નિરજ મિત્તલ વર્ચ્યુઅલ મોડમાં હાજર હતા.
NFSU ના વાઇસ ચાન્સેલર, પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. વ્યાસની ઉપસ્થિતિમાં થયેલા
સમજૂતી કરાર ઉપર રવિ એ. રોબર્ટ જેરાર્ડ, DDG (SRI) DoT, CMD BSNL અને MTNL,
ભારત સરકાર અને પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા
ટેલિકોમ સુરક્ષામાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ની સ્થાપના માટે હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે
રવિ એ. રોબર્ટ જેરાર્ડ, DDG (SRI) DoT, CMD BSNL અને MTNL, ભારત સરકાર અને
પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડિરેક્ટર, NFSU-ગોવા દ્વારા ગોવાના NFSU કેમ્પસ
ખાતે માલવેર લેબની સ્થાપના માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રવિ એ. રોબર્ટ જેરાર્ડ, DDG (SRI) DoT, CMD BSNL અને MTNL, સંચાર મંત્રાલય, ભારત
સરકારએ NFSU દ્વારા ફોરેન્સિક સાયન્સ અને સંલગ્ન વિષયોની વિવિધ શાખાઓમાં સંશોધન
અને વિકાસ કાર્ય, તાલીમ અને કન્સલ્ટન્સી કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે 5G પ્રોટોકોલ સ્ટેક
અને તેના સુરક્ષા પ્રોટોકોલ સાથે ટેલિકોમ સુરક્ષામાં આ અત્યાધુનિક સેન્ટર ઓફ એક્સેલન્સનો
ઉપયોગ કરીને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુરક્ષા ધોરણોને વધુ મજબૂત બનાવવાની પણ ચર્ચા
કરી હતી.
ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ જણાવ્યું હતું કે
NFSUએ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સુરક્ષા વધારવા માટે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન
વિભાગ, સંચાર મંત્રાલય સાથે સમજૂતી કરાર કરીને પરસ્પર સહયોગના ક્ષેત્રમાં એક વિશિષ્ટ
સિદ્ધિ હાંસલ કરી છે. આ સમજૂતી કરાર અંતર્ગત NFSUએ સમગ્ર વિશ્વનું સૌપ્રથમ અત્યાધુનિક
ટેક્નોલોજીથી સજ્જ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ટેલિકોમ સિક્યોરિટી સ્થાપવાનું નક્કી કર્યું છે.
ભારતના આ સૌપ્રથમ, સર્વોત્ત્કૃષ્ટ સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ NFSU-ગાંધીનગર ખાતે
થશે. જ્યારે NFSUના ગોવા કેમ્પસમાં માલવેર લેબની સ્થાપના કરાશે.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર કેમ્પસ દ્વારા મહાનુભાવોનું
સ્વાગત કરાયું હતું. પ્રો. જુનારેએ જણાવ્યું હતું કે ટેલિકોમ સુરક્ષામાં આ સેન્ટર ઓફ એક્સેલન્સ
દ્વારા 5G પ્રોટોકોલ ઓડિટ અને 5G કોમ્યુનિકેશન સંબંધિત નબળાઈઓને ઓળખવા માટે
આકારણી માળખાના વિકાસ પર સંશોધન હાથ ધરાશે. OT (ઓપરેશનલ ટેક્નોલોજી સંબંધિત)
ઉદ્યોગો માટે 5G ઉપયોગના કેસોનો ઉકેલ, 5G સુરક્ષા માટે ફ્લેગ સાયબર સુરક્ષા સ્પર્ધા તથા
ઓપરેશનલ ટેક્નોલોજી સંબંધી જાગૃતિ કેળવવા માટે વિશિષ્ટ એવી Ideathonનું પણ આયોજન
થશે. NFSUના ગોવા કેમ્પસમાં માલવેર લેબ અંતર્ગત ટેલિકોમ માલવેર-રેન્સમવેર સંબંધિત
સંશોધન હાથ ધરવામાં આવશે. બંને સંસ્થાઓ સંયુક્ત રીતે વિવિધ સ્તરે તાલીમ કાર્યક્રમોનું
પણ આયોજન કરશે.