- પ્રાકૃતિક ખેતીથી સૂરજમુખી તથા ખારેકની ખેતી કરતા સરહદી અબડાસા તાલુકાના જગદીશભાઇ પટેલ
- કનકપરના ખેડૂત બાજરી તથા ઘઉંનું પણ સફળ વાવેતર કરીને પ્રાકૃતિક ખેતીથી સારી આવક કમાઇ રહ્યા છે
ભુજ : કચ્છમાં પ્રાકૃતિક ખેતીના વધતા જતાં વ્યાપ વચ્ચે અબડાસા તાલુકાના કનકપરના જગદીશભાઇ દેવજી પટેલ સફળ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા જગદીશભાઇ હાલ સૂરજમુખી, કચ્છ મેવો ખારેક, બાજરી તથા ઘઉંની ખેતી કરે છે.
ખેડૂત જગદીશભાઇ જણાવે છે કે, હું વર્ષ ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી કરું છું. રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જાય છે તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે જેથી મજુરી ખર્ચ પણ વધુ થાય છે. ઉપરાંત જમીનનું બંધારણ બગડતા પાક ઓછો અને ગુણવત્તા વગરનો ઉતરે છે. આ બધા પરિબળોને ધ્યાને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે. જેમાં હું સફળ થયો છું અને હાલ સારી આવક સાથે સફળ પાક લઇ રહ્યો છે. ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે, રાસાયણિક ખેતીમાં એક હેકટરમાં ધઉંનો પાક લેતો હતો ત્યારે રૂ. ૫૭ હજારથી વધુના ખર્ચ સાથે ૩૧ કિંવટલ ઉત્પાદન મળતું હતું અને ચોખ્ખો નફો રૂ.૧૦૫૦૦નો મળતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં એક હેકટરમાં ખર્ચ માત્ર ૫૧ હજાર થાય છે અને ૩૨ કિંવટલના ઉત્પાદન સાથે ચોખ્ખો નફો રૂ. ૪૫ હજારનો થઇ રહ્યો છે. જમીનની ફળદ્રુપતા વધતા દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
હાલ વાડીમાં પ્રાકૃતિક ખેતીમાં હું ઘઉં, બાજરી, સૂરજમુખી અને ખારેક જેવા પાકો લઉં છું જેનું વેંચાણ સીધું જ થઇ જાય છે અને ભાવ પણ સારા મળે છે.