- હર ઘર તિરંગા અભિયાન ૩.૦ : ૧૦ થી ૧૩ ઓગસ્ટ
- ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
- જિલ્લાના દરેક ઘર, સંસ્થા, કચેરી, વ્યાવસાયિક-ઔદ્યોગિક એકમોમાં લહેરાશે તિરંગો
- ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને જિલ્લા કલેકટરનો અનુરોધ
આગામી તા. ૧૦ થી ૧૩મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ઘર, મકાનો પર તા.૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાના અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે.
આ બેઠકમાં સંબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાનાર છે, જેનો હેતુ રાષ્ટ્રભાવના ને બળવત્તર કરવાનો અને બાળકોમાં દેશપ્રેમના ગુણનું સિંચન કરવાનો છે. દેશવ્યાપી આ કાર્યક્રમમાં જિલ્લાના દરેક નાગરિકને સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝને વ્યક્ત કરવાના હેતુથી પોતાના ઘર પર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવવાની અપીલ તેમણે કરી હતી. વધુમાં તેમણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, દૂધ મંડળીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકો અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના આ ઉમદા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા ‘ અંતર્ગત સુંદર આયોજન થકી મોટી સંખ્યામાં નાગરિકો રાષ્ટ્રીય પર્વમાં સામેલ થાય છે ત્યારે આ વર્ષે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં સહભાગી થાય તે માટે તેમણે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કર્યો હતો.
આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલ મળી અંદાજિત ૧.૫૨ લાખ ઘરોમાં તિરંગો લહેરાવવાનું આયોજન છે. આ ઉપરાંત જિલ્લામાંથી પોસ્ટ, ખાદીગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થાઓમાંથી તિરંગાનું વેચાણ કરવા સહિતની વ્યવસ્થાઓ બાબતમાં પણ માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે. ઓઝા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી સહિત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.