- પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ
- એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે
- રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે જ્યારે
- પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે.
ભુજ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી, પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પહેલ કરી છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સૂક્ષ્મ જીવાણું અને પોષક તત્વોનો ખજાનો છે. તો ચાલો પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ સમજીએ.
ગૌમૂત્ર:-
ગૌમૂત્રએ પાકનું જીવનચક્ર પૂરું કરવા માટે જરૂરી પોષક તત્વનો ભંડાર છે. ઉપરાંત પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પૂરા પાડે છે. આ ઉપરાંત પાકને નુકસાનકર્તા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે સામે રક્ષણ આપે છે.
ગોબર:-
ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણું હોય છે. ગોબર અનેક પ્રકારે જમીનને સમૃદ્ધ કરવાનું કાર્ય કરે છે. દેશી ગાયના ગોબરમાં જુદા-જુદા પ્રકારના સૂક્ષ્મ જીવાણું હોય છે. જેમકે નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર, ફોસ્ફરસની લભ્યતા માટે જવાબદાર, પોટાશની લભ્યતા માટે જવાબદાર, સલ્ફરની લભ્યતા માટે જવાબદાર, પેસ્ટીસાઈડ અને હેવી મેટલનું વિઘટન કરનાર, પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થોનું વિઘટન કરનાર, જંતુઓને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરનાર, પાક વૃદ્ધિ કારકો જેવા વગેરે સૂક્ષ્મ જીવાણું હોય છે.
દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાવ બનાવી શકાય છે. ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાક સંરક્ષણ થઈ શકે છે. આમ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટિલાઇઝર, હોર્મોન, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂર રહેતી નથી.
રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે જ્યારે પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગને સમાપ્ત કરે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે. આમ આવનારી પેઢીઓને વારસામાં ફળદ્રુપ જમીન મળશે. ભારતીય દેશી ઓલાદની ગાયોની ઓલાદ સુધારણા થશે. દેશી ગાય હાલતી-ચાલતી જીવાણુઓની ફેકટરી છે, જો ગાય બચશે તો તેનું દૂધ માનવ કલ્યાણના કામમાં આવશે. ગાયનું ગોબર, ગૌમૂત્ર ખેતીને બચાવશે. આથી દરેક ખેડૂત મિત્રોએ વાતાવરણ, પાણી અને જમીનને બંજર થતી અટકાવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જોઈએ.