- AMC તથા જિલ્લા તંત્ર દ્વારા ૧૩ ઓગસ્ટે રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન
- આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
- પટેલ ફ્લેગઓફ્ફ કરાવશે
- આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ
બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો તથા શિક્ષકો, રમતવીરો જોડાશે - રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કુલ ૧૧ ટેબ્લો આ તિરંગા યાત્રામાં જોવા મળશે
AHMEDABAD: ભારતની આઝાદીના ૭૮મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ
સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૮થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા
સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા
તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ
અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૩ ઓગસ્ટ,
મંગળવારના રોજ અમદાવાદમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગઓફ્ફ કરાવવામાં આવશે.
આ તિરંગા યાત્રા વિરાટનગર ઝોનલ ઓફિસ (પૂર્વ ઝોન)થી કેસરી નંદન ચોક (ફુવારા
સર્કલ)થી બેટી બચાવો સર્કલ થઇ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી જમણી બાજુ વળી કોઠિયા
હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવણવાડી સર્કલ થઇ ખોડીયાર મંદિર, નિકોલ પાસે સમાપન
થશે.
આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ,
ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો તથા શિક્ષકો, રમતવીરો, વિવિધ સમાજ જેવા કે,
શ્રી શ્રી રવિશંકર, તેરાપંથ સમાજ, જૈન સમાજ, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારી તથા
ગાયત્રી પરિવાર, રબારી સમાજ, ભાગવત વિદ્યાપીઠ, પતંજલિ-શ્રી બાબા રામદેવ, કેથલિક
સમાજ, વોરા સમાજના લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત
આશરે ૫૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થવાના છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કુલ ૧૧ ટેબ્લો આ તિરંગા યાત્રામાં જોડાશે.
આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરની તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ
લહેરાવવામાં આવશે. તદ્ઉપરાંત, અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલ તમામ શાળા-કૉલેજો,
રેસિડેન્સ સોસાયટી, વ્યાવસાયિક એકમો તેમજ તમામ હોટલ/રેસ્ટોરન્ટ પર રાષ્ટ્રધ્વજ
લહેરાવવામાં આવશે.
આ અભિયાનનો વિવિધ માધ્યમો થકી બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. એટલું જ નહીં
અમદાવાદ શહેરની આઇકોનિક બિલ્ડિંગો, બ્રિજ તેમજ કાર્યક્રમના રૂટ તથા રૂટ પરના બિલ્ડિંગો
પર તિરંગાની થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવશે. શહેરીજનોને હર ઘર તિરંગા
અભિયાન અને તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરવામાં આવે છે.