- ભારતથી ૪૫૮૦ માઈલ દૂર લંડન પહોંચ્યું હર ઘર તિરંગા અભિયાન
- યુકેના લંડન શહેરમાં વસતાં ગુજરાતી દંપતી ફાલ્ગુનભાઈ અને કૃપાબહેન હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યાં
- લંડન બ્રેન્ટના 8 નોર્મન્સમેડ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવી આપ્યો દેશભક્તિનો સંદેશ
૧૫મી ઓગસ્ટ એટલે આઝાદીનું મહાપર્વ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ભારતીય માટે આ
દિવસ કોઈ મોટા તહેવારથી કમ નથી. આ અવસરે તેઓ જે દેશમાં વસે છે ત્યાંથી કોઈને કોઈ
સ્વરૂપે દેશપ્રેમ વ્યક્ત કરતા જ હોય છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર
તિરંગા અભિયાન શરૂ કરાવીને તેમની રાષ્ટ્રચેતનાને વધુ પ્રબળ બનાવી છે. આ અભિયાનથી
દુનિયાભરના ભારતીયો પોતાની ભારતીય તરીકેની ઓળખ પર ગર્વ અનુભવી રહ્યા છે.
ભારતથી ૪૫૮૦ માઈલ દૂર સ્થિત યુનાઇટેડ કિંગ્ડમના લંડન શહેરમાં વસતાં ગુજરાતી
યુવાદંપતી ફાલ્ગુનભાઈ અને કૃપાબહેન પણ ;હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યાં
હતાં. આ દંપતીએ લંડન બ્રેન્ટના 8 નોર્મન્સમેડ ખાતે આવેલા તેમના નિવાસસ્થાન ખાતે
તિરંગો લહેરાવ્યો હતો.
પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા શ્રી ફાલ્ગુનભાઈ જણાવે છે કે ગુજરાતના રાજકોટમાં મારું
બાળપણ વિત્યું છે. એ વખતે શાળા, કૉલેજ અને સોસાયટીમાં સ્વતંત્રતા પર્વે તિરંગાને સલામી
આપતા અનેરો રોમાંચ અનુભવાતો. જે આજે લંડનના અમારા નિવાસસ્થાને તિરંગો લહેરાવતા
ફરી અનુભવાય છે. ભારતને પ્રેમ કરવા માટે કોઈ સરહદ નડતી નથી. લંડનમાં પણ ભારતીય
તહેવારો રંગે-ચંગે ઉજવાય છે. જેમાં વધુને વધુ ભારતીયોને જોડવાનું અમારું લક્ષ્ય છે એમ
તેમણે ઉમેર્યું હતું.
મૂળ ગુજરાતી પરિવારના અને જન્મથી બ્રિટિશ નાગરિક એવા ફાલ્ગુનભાઈના ધર્મપત્ની
શ્રીમતિ કૃપાબહેન જણાવે છે કે લંડનમાં વસતા અનેક ગુજરાતીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને માનભેર જુએ છે. તેમના નેતૃત્વમાં થયેલી ભારત અને
ગુજરાતની પ્રગતિથી ખૂબ ગર્વ અનુભવાય છે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાથી અમે
ભારતથી આટલા દૂર છીએ તેવો અહેસાસ જ નથી થતો.
આમ, વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન
અનેરા ઉત્સાહ અને ઉજવણીનું માધ્યમ બની રહ્યું છે અને તે હજારો માઈલ દૂર અન્ય દેશના
નાગરિકોને પણ વતનપ્રેમનો સંદેશ આપી રહ્યું છે.