અમદાવાદના નરોડા કઠવાડામાં આવેલા ૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ૧૦૮ સેવાના
કર્મચારીઓ માટે રોડ સેફટી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો
મુખ્ય ઉદ્દેશ માત્ર કર્મચારીઓને માર્ગ સલામતી વિશે શિક્ષિત કરવાનો નહિ, પરંતુ સુરક્ષિત
ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂકવાનો હતો. આ સાથે
EMRI GHS દ્વારા ૧૦૮ સેવામાં કાર્યરત કર્મચારીગણ માટે યુ ટર્ન ફાઉન્ડેશનના સહયોગથી
આયોજિત રોડ સેફ્ટી નોલેજ ફોરમનું સફળ સમાપન પણ થયું હતું.
આ અવસરે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફિન હસન દ્વારા રોડ-સેફટી અને ટ્રાફિક કાયદાઓ
તેમજ હેલ્મેટ પહેરવાનાં મહત્ત્વ અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે
, જે.એન. બારેવડીયા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતી અંગેની વિગતવાર માહિતી પૂરી
પાડી કમર્ચારીઓને લર્નર્સ લાઇસન્સ પ્રક્રિયાઓ, ટ્રાફિક સિગ્નલો, રોડ માર્કિંગ, રક્ષણાત્મક
ડ્રાઇવિંગ તકનીકો અને મોટર વાહન અધિનિયમ અને નિયમો જેવા મુખ્ય વિષયો પર
પ્રેઝન્ટેશન રજૂ કરી પ્રશ્નોત્તરી થકી જરૂરી માહિતીઓ પૂરી પાડી હતી. યુ-ટર્ન ફાઉન્ડેશન એ
માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગૃતિના કાર્યક્રમો માટે પોતાના વ્યાપક કાર્યો અંગે જાણીતું
છે. સુરક્ષા જાગૃતિ અને પ્રોત્સાહન માટે યુ-ટર્ન ફાઉન્ડેશને બ્રાન્ડેડ હેલ્મેટ સબસિડાઈઝ્ડ દરે
શિબિરમાં ભાગ લેનાર તમામને ઉપલબ્ધ કરાવ્યા હતા. આ પહેલ સમાજમાં રોડ સેફટી અને
સેફ-ડ્રાઈવિંગને પ્રોત્સાહન પૂરું પાડશે અને રોડ પર સુરક્ષિત અને સલામત વાહન ચલાવવા
અન્યને પણ પ્રેરિત કરશે.
આ પ્રસંગે EMRI GHS સીઈઓ જશવંત પ્રજાપતિ, યુ ટર્ન ફાઉન્ડેશનના સભ્યો તેમજ ૧૦૮
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.